ભાસ્કર એક્સક્લૂઝિવ:ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરીથી સ્કૂલો 10 દિવસનું વેકેશન આપશે
દિવાળીમાં 21 દિવસની રજા મળશે, પણ ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ આખું વેકેશન માણવા નહીં મળશે. જાન્યુઆરીમાં JEE મેઈન-1, ત્યારબાદ ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ અને ફેબ્રુઆરીમાં જ ધો. 10-12ની જાહેર પરીક્ષા હોવાથી સ્કૂલોએ અત્યારથી તૈયારી શરૂ કરી છે.
સ્કૂલો વાલીઓની મંજૂરીથી ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓને 10 દિવસની જ રજા અપાશે. બીજી તરફ દિવાળી વેકેશન પૂરું થતાં જ ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સ્કૂલો એક પરીક્ષા લેશે. જેના રિઝલ્ટથી ક્યાં કચાશ રહી તે જાણીને નબળા ટોપિક્સનું ફરી રિવિઝન કરાવાશે, જેથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની પરીક્ષા તૈ યારી પાક્કી થઈ શકશે.
4 મહિનામાં સ્કૂલો વિદ્યાર્થીઓને આ રીતે તૈયારી કરાવશે
નવેમ્બર:વેકેશન બાદ ટેસ્ટ-નબળા વિષય પર ફોકસ
- ધો.10-12 કોમર્સ.: દિવાળી વેકેશન પછી તરત વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા લઈને વિષયવાર નબળા ટોપિક્સ શોધીને રેમેડિયલ ક્લાસ શરૂ કરાશે.
- ધો.12 સાયન્સ: વાલીઓની મંજૂરી લઈને મર્યાદિત રજાઓ બાદ અભ્યાસનો વેગ વધારાશે. અટકેલા અભ્યાસક્રમ-નબળા વિષયોનું પુનરાવર્તન કરાવાશે.
ડિસેમ્બર:સિલેબસ પૂર્ણ,પ્રેક્ટિકલ-ટાર્ગેટ રિવિઝન
- કોર્સ કમ્પ્લીશન: ધો.10-12માં મુખ્ય અભ્યાસક્રમ પૂર્ણ કરીને ઝડપી રિવિઝન પર ધ્યાન અપાશે.
- સાયન્સ-કોમર્સ સ્પેશિયલ: સાયન્સના વિદ્યાર્થીઓને લેબોરેટરી પ્રેક્ટિકલની ખાસ પ્રેક્ટિસ કરાવાશે અને JEE મેઈન-1ની તૈયારી શરૂ થશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયોના દાખલાઓની નિયમિત પ્રેક્ટિસ કરાવાશે.
3. જાન્યુઆરી: પ્રિ-બોર્ડ પરીક્ષા અને ટાઈમ મેનેજમેન્ટ
- બોર્ડ જેવું વાતાવરણ: 18થી 28 જાન્યુઆરીમાં ધો.10-12ની પ્રિ-બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના માહોલનો અનુભવ અને પરીક્ષાનો ડર ઓછો કરાશે.
- પેપર રાઈટિંગ પ્રેક્ટિસ: ત્રણ કલાકના પેપરમાં સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ અપાશે, જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સમયસર લખી શકે.
4. ફેબ્રુઆરી: પ્રેક્ટિકલ પરીક્ષા અને ફાઈનલ તૈયારી
- પ્રેક્ટિકલ એક્ઝામ: ધો. 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાઓ 5થી 13 ફેબ્રુઆરી દરમિયાન પૂર્ણ કરાવાશે.
- પ્રેઝન્ટેશન-કાઉન્સેલિંગ: 25 ફેબ્રુઆરીથી શરૂ થતી મુખ્ય બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાં સુંદર અક્ષરો, યોગ્ય રજૂઆત અને પેપર પ્રેઝન્ટેશનની સમજ અપાશે. સાથે જ પરીક્ષાનો તણાવ ઘટાડવા માટે કાઉન્સેલિંગ સેશન પણ યોજાશે.
