Sun, Nov 29, 2026Updated 11:15 PM IST
Google Preferred Source CTA

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં:રિનોવેશન માટે કાકરાપાર નહેર બંધ રહેતા 2 લાખ હેક્ટર જમીન પ્રભાવિત, વધારાની 4 કલાક વીજળી આપવા રજૂઆત

સુરત3 દિવસ પેહલા
Loading advertisement...

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની નહેરો રિનોવેશનની કામગીરી માટે બંધ કરવામાં આવતા ધરતીપુત્રો પર સિંચાઈનું મોટું સંકટ તોળાયું છે. કાકરાપાર જમણા કાંઠાની નહેર 90 દિવસ અને ડાબા કાંઠાની નહેર 30થી 35 દિવસ સુધી બંધ રહેવાની હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદાજે 1.55 લાખથી 2 લાખ હેક્ટર જેટલી ખેતીની જમીન પર સિંચાઈની સીધી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિને જોતા ખેડૂતોને હાલ મળતી 8 કલાકની વીજળીને બદલે સતત 12 કલાક વીજળી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી અને ઊર્જામંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Loading advertisement...

નહેર બંધ થતાં બોરવેલ અને ટ્યુબવેલનો સહારો નહેરોમાં પાણી બંધ થવાથી હવે ખેડૂતો પાસે સિંચાઈ માટે માત્ર બોરવેલ અને ટ્યુબવેલનો જ સહારો બચ્યો છે. હાલમાં ખેડૂતોને ખેતીવાડી માટે માત્ર 8 કલાક જ વીજળી આપવામાં આવી રહી છે, જે વિશાળ વિસ્તારમાં પિયત કરવા માટે અપૂરતી સાબિત થઈ રહી છે. જો રાજ્ય સરકાર દ્વારા વધારાની 4 કલાક એટલે કે કુલ 12 કલાક વીજળી આપવામાં આવે, તો ખેડૂતો ટ્યુબવેલ મારફતે પોતાના ખેતરોમાં પૂરતું પાણી પાઈ શકે તેમ છે.

શેરડી, ઘઉં અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ હાલની સ્થિતિએ ખેતરોમાં મુખ્ય પાક ગણાતી શેરડી ઊભી છે, આ ઉપરાંત શિયાળુ પાક તરીકે ઘઉંની રોપણી થઈ ચૂકી છે તેમજ ડાંગર, ફળ અને શાકભાજીની પણ મોટાપાયે ખેતી કરવામાં આવી છે. નહેર 90 દિવસ સુધી બંધ રહેતા આ તમામ પાકોને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સમયસર પિયત ન મળે તો ઊભા પાક સુકાઈ જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી શકે છે.

નહેર શરૂ ન થાય ત્યાં સુધી 12 કલાક વીજળી આપવા માંગ ખેડૂત આગેવાન જયેશ દેલાડ અને જયેશ એન. પટેલે મુખ્યમંત્રી તેમજ ઊર્જામંત્રીને પત્ર લખી જ્યાં સુધી નહેરમાં પાણી પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી 12 કલાક વીજળી આપવા માંગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે, "સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજના જીવાદોરી સમાન છે. રિનોવેશન માટે કાકરાપાર જમણા કાંઠા 90 દિવસ અને ડાબા કાંઠા 30-35 દિવસ બંધ રહેવાની હોવાથી લગભગ બે લાખ હેક્ટર જમીનની સિંચાઈ પ્રભાવિત થશે. શેરડી, ઘઉં, ફળ અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે. ટ્યુબવેલ થકી પિયત માટે 8 કલાક વીજળી મળે છે, જો 12 કલાક વીજળી અપાય તો ખેડૂતો વધુ પાણી પાઈ શકે. આ અંગે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી સતત 12 કલાક વીજળી આપવા માંગ કરી છે."

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો