સિટી એન્કર:સિવિલ-સ્મીમેરમાં દર્દીઓએ હવે ફાઈલ સાચવવાની ઝંઝટ નહીં રહે ‘આભા’ આઈડીથી માત્ર એક જ ક્લિક પર મળી જશે મેડિકલ હિસ્ટ્રી
સિવિલ -સ્મીમેર સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ હેલ્થકેર તરફ આગળ વધી રહી છે. બંને હોસ્પિટલોમાં દર્દીઓના 14 આંકડાના આભા આઈડી જનરેટ કરવાની કામગીરી સફળ થઈ રહી છે. સિવિલે 2,55,872 દર્દીના, જ્યારે સ્મીમેરે 11,725 આઈડી જનરેટ કર્યા છે.
ઓપીડી કાઉન્ટર પર સવારથી લાંબી કતારોની સમસ્યા હલ કરવા ‘સ્કેન એન્ડ શેર’ ક્યુઆર કોડ સિસ્ટમ કારગત નીવડી રહી છે.
સ્માર્ટફોન ધરાવતા દર્દીઓ ક્યુઆર કોડ સ્કેન કરી પોતાની પ્રોફાઇલ શેર કરી શકે છે. જેથી દર્દીને વિગતો લખાવવા કાઉન્ટર પર ઊભા રહ્યા વગર તરત જ ડિજિટલ ઓપીડી ટોકન મળી જાય છે, જેનાથી કલાકોનો સમય બચે છે.
સ્માર્ટફોન વિનાના દર્દી માટે પણ વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર દ્વારા છેવાડાના અને શ્રમિક વર્ગના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ સપોર્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જે દર્દીઓ પાસે સ્માર્ટફોન નથી અથવા ટેકનોલોજીથી અજાણ છે, તેમના માટે રજિસ્ટ્રેશન કાઉન્ટર નજીક ડેડિકેટેડ હેલ્પડેસ્ક કાર્યરત કરાયા છે. સ્ટાફ દ્વારા આધાર કાર્ડ નંબર અને સામાન્ય વેરિફિકેશનના આધારે સ્થળ પર જ દર્દીનું આઈડી જનરેટ કરી આપવામાં આવી રહ્યું છે.
દેશની કોઈપણ હોસ્પિટલમાં દર્દીના ડેટા ઉપલબ્ધ બનશે ‘આભા’ આઈડી ડિજિટલ લોકર છે. લોહીના રિપોર્ટ, સોનોગ્રાફી, જૂના પ્રિસ્ક્રિપ્શન કે સર્જરીની માહિતી ક્લાઉડ પર રહે છે. દર્દી દેશની કોઈપણ હોસ્પિટલમાં જશે તો જૂના કાગળો સાથે રાખ્યા વિના ડોક્ટર માત્ર સિસ્ટમમાં આઈડી એન્ટર કરીને તમામ હિસ્ટ્રી જોઈ શકશે. આનાથી બીમારીનું સચોટ નિદાન થશે અને ટેસ્ટ ફરી કરાવવાનું ભારણ નહી રહે.
દર્દીને આ 4 મોટા ફાયદા થશે
- કાગળમુક્ત સારવાર: રિપોર્ટ ગુમ થવાનો કે ફાટી જવાનો ડર નહીં; તમામ ડેટા સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજમાં.
- ડુપ્લિકેશનનો અંત: અગાઉ થયેલા રિપોર્ટ્સ ઓનલાઈન દેખાતાં એક જ તપાસ વારંવાર કરાવવી નહીં પડે.
- ઇમરજન્સીમાં લાઈફ સેવર: અકસ્માત કે ગંભીર સ્થિતિમાં દર્દીનું બ્લડ ગ્રૂપ અને એલર્જીની હિસ્ટ્રી ડોક્ટર તરત જાણી શકશે.
- સંપૂર્ણ ગોપનીયતા: દર્દીઓના મોબાઈલ પર આવતા ઓટીપી (OTP) વગર કોઈ વ્યક્તિ કે ડોક્ટર ડેટા એક્સેસ કરી શકશે નહીં.
