ગોપીપુરામાં 1 કરોડની છેતરપિંડી:2 વર્ષ સુધી શેઠના કારખાનામાંથી ચોરાયો 103 કિલો જરી વેસ્ટ, ત્રણ સામે ફરિયાદ
સુરતના ગોપીપુરા વિસ્તારમાં નાની છીપવાડ નજીક કલ્પવૃક્ષ ખાતે રહેતા 56 વર્ષીય મનીષભાઈ જયંતીલાલ મહારાજવાલા પોતાના ઘરના નીચેના માળે જરી બનાવવાનું કારખાનું ચલાવે છે. તેમના આ કારખાનામાં કામ કરતા બે કારીગરોએ માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરી છેલ્લા બે વર્ષ દરમિયાન મોટી રકમની છેતરપિંડી આચરી હતી. તારીખ 1 એપ્રિલ 2024થી 15 જુલાઈ 2026 દરમિયાન બંને કારીગરોએ રોજિંદા કામકાજ વચ્ચે થોડો-થોડો કરીને કુલ ₹1,03,19,615 ની કિંમતનો આશરે 103.083 કિલોગ્રામ કિંમતી જરી વેસ્ટ ચોરી લીધો હતો.
ચોરીનો માલ નાનપુરાના સ્ક્રેપ વેપારીને સસ્તામાં પધરાવ્યો આ કૌભાંડમાં સામેલ કારીગર પિયુષ સુરેશ રાણા (ઉંમર 32, રહે. નવાપુરા, કણબી શેરી, ગોલવાડ) અને હરીશ નારાયણ રાણા (ઉંમર 63, રહે. કલમપલ્લી સોસાયટી, નાનપુરા) કારખાનામાંથી નિયમિત રીતે માલ ચોરી કરતા હતા. ચોરી કરેલો આ કિંમતી જરી વેસ્ટ તેઓ નાનપુરા ખાતે કાલાપીછી મહોલ્લામાં ક્રિષ્ના પેલેસમાં રહેતા વેપારી સંતોષ સંપત જાદવને વેચી દેતા હતા. વેપારી સંતોષ પણ ચોરીનો માલ હોવાનું જાણવા છતાં સસ્તા ભાવે સતત ખરીદતો રહ્યો હતો.
હિસાબમાં ઘટ જણાતાં ભાંડો ફૂટ્યો ઉત્પાદન અને સ્ટોકના હિસાબમાં લાંબા સમયથી મોટી ઘટ ધ્યાને આવતાં કારખાનાના માલિક મનીષભાઈએ તપાસ હાથ ધરી હતી, જેમાં બંને કારીગરોની સંડોવણી સામે આવી હતી. આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ મનીષભાઈએ અઠવા પોલીસ મથકે બંને કારીગરો તેમજ ચોરીનો માલ ખરીદનાર વેપારી સંતોષ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કડક તપાસ શરૂ કરી છે.
