ઓલપાડમાં અચોક્કસ મુદતની સત્યાગ્રહ છાવણી શરૂ કરાશે:જમીન અધિગ્રહણ આદેશ રદ કરવાની માંગ સાથે 12 ઓક્ટોબરે ખેડૂતોની રેલી
પાવરગ્રીડ માટે જમીન સંપાદન, ખેતરો વચ્ચેથી પસાર થતી વીજલાઈનો અને વીજ ટાવરો તેમજ યોગ્ય વળતરના મુદ્દે સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો વિરોધ હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવા રવિવારે ઓલપાડ તાલુકાના આંધી ગામે ખેડૂત અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ જયેશ પટેલ (પાલ), ખેડૂત અગ્રણી દર્શન નાયક, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ સંદીપ માંગરોલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા) અને સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
જેમના જણાવ્યા મુજબ 16 એકર જમીનના અધિગ્રહણ અંગે કરેલા આદેશ પરત ખેંચવાની માંગ સાથે 12 ઓક્ટોબરે ખેડૂતો રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપશે અને ઘેરાવો કરશે. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઓલપાડમાં અચોક્કસ મુદતની સત્યાગ્રહ છાવણી શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે.
તેમાં દેશભરના ખેડૂત આગેવાનોને આમંત્રિત કરવાની યોજના છે. આંદોલન વધુ ઉગ્ર બનશે તો નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ-વે પર શાંતિપૂર્ણ રીતે વાહનો રોકી ચક્કાજામ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
