સુરતમાં એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતાં આક્રોશ:પિતાએ રડતાં રડતાં હાથ જોડી કહ્યું-હું ગરીબ ક્યાં ન્યાય માગવા જાઉં?, બાંયધરી મળતાં મામલો થાળે પડ્યો, 2 આરોપીની ધરપકડ
આ સુરતમાં હવે કેમ રહેવું?...આ એટલા માટે કહેવું પડે છે, કેમ કે કાપોદ્રામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈની 14 એપ્રિલની સાંજે એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે. લગભગ બપોરના 11 વાગ્યા 1.30 વાગ્યા સુધી આ દેખાવો કર્યા હતા. ત્યાર બાદ પોલીસે ઝડપી ન્યાયની બાંયધરી આપતાં મામલો શાંત પડ્યો હતો.
પૈસા આપવાનો ઇનકાર કરતાં નશેડીએ હત્યા કરી વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઈનકાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષાચાલકે ઈનકાર કરતાં તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે.
રાત્રે પરિસ્થિતિ તંગ બની અને સવારે પોલીસ સ્ટેશન ઘેર્યું સગીરની હત્યા બાદ મોડીરાત્રે પરિસ્થિતિ તંગ બનતાં પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ માંડ મોડીરાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે(15 એપ્રિલ, 2025) બપોરે ઉગ્ર બન્યો છે તેમજ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માગ કરી હતી તેમજ આ દરમિયાન મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ માંડ માંડ ભીડ પર કાબૂ કરી શકી હતી. આ દરમિયાન 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
મૃતકના પિતા અરવિંદભાઈએ જણાવ્યું કે

હું 17 વર્ષથી સુરતમાં ફ્રૂટ્સની ફેરી મારીને ફ્રૂટ્સ વેચું છું. મારો દીકરો પરેશ અરવિંદ વાઘેલા ગીતાંજલિમાં ડાયમંડ કટિંગનું કામ કરતો હતો. સાંજે કામ કરીને પાછો ફરતો હતો ત્યારે ઘર પાસે લુખ્ખા તત્ત્વોએ તેની બેરહેમીથી હત્યા કરી દીધી. હું ગરીબ માણસ ક્યાં ન્યાય માગવા જાઉં? એકલો છું(રડતાં રડતાં), એટલે પબ્લિકને વિનંતી કરું છું કે મને ન્યાય મળે, મારે એકનો એક દીકરો હતો અને 4 દીકરી છે. બધા લુખ્ખા તત્ત્વો છે. તેઓ મારીને ચાલ્યા જાય છે, પરંતુ 20 વર્ષથી કોઈ પગલાં લેવાતાં નથી. મેં પોલીસ કમિશનર પાસે ન્યાય માગ્યો છે.

આરોપી અને છરી આપનારાને ઝડપી લીધો ડીપીસી અલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજે આરોપી અને પીડિત એકબીજા સાથે ટકરાયા હતા. આરોપીએ મૃતક પાસે પૈસા માગ્યા હતા, પરંતુ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ તેને ચાકુ મારી હત્યા કરી દીધી. ડી સ્ટાફે 15 મિનિટમાં જ આરોપીને ઝડપી લીધો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં એક ચાકુ આપનારો પણ આરોપી છે, જેથી તેને પણ અમે ઝડપી લીધો છે.
ડીસીપીએ આગળ કહ્યું, FSL અને ઇ-સાક્ષીમાં પંચનામું રેકોર્ડ કરવા સહિતની કાર્યવાહી કરીશું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ કામ કરી રહી છે. આ કેસને ફુલપ્રૂફ બનાવવા માટે સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરીશું. દારૂના કોઈપણ અડ્ડાઓ સામે સ્પેશિયલ પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
મૃતકના અંતિમ સંસ્કાર થયા મૃતક પરેશનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યુ હતું. દરમિયાન સમાજના લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ કરવા પહોંચી ગયા હતા. પોસ્ટમોર્ટમ થયું હોવા છતાં પણ પરિવારજનો દ્વારા મૃતદેહ ને સ્વીકારવામાં આવ્યો ન હતો. જેથી પોલીસની કાર્યવાહી અટકી ગઈ હતી. આ દરમિયાન મૃતક પરેશના પિતા અરવિંદભાઈ વિરોધમાં જોડાયા હતા અને ન્યાયની માંગ કરી હતી. વિરોધના પગલે દોડી આવેલા ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહીની બાંહેધરી આપતા પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો. ત્યારબાદ અઢી વાગ્યા આસપાસ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેથી પરિવાર એકના એક દીકરાના મૃતદેહને લઈને રવાના થયો હતો અને અંતિમ સંસ્કાર કર્યા હતા.
આગળ વાંચો 2.30 કલાક ચાલેલા ન્યાય માટેના પ્રદર્શનની પળેપળનાં અપડેટ્સ
