ઉમરપાડાના વહારમાં આદિવાસી જમીન પર ગેરકાયદેસર ચર્ચનું નિર્માણ!:દેવ બિરસા સેનાએ ધર્માંતરણનો આરોપ લગાવી કાર્યવાહીની માગ કરી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ દેવ બિરસા સેના દ્વારા કરવામાં આવ્યો છે. આ સંગઠને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક બાંધકામ અટકાવવા અને સંડોવાયેલા ઈસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દેવ બિરસા સેનાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વહાર ગામમાં ફક્ત આદિવાસીઓની વસ્તી છે. રેકોર્ડ પર એક પણ વ્યક્તિએ કલેક્ટરના ચોપડે કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો નથી. તેમ છતાં, ગામના ભોળા આદિવાસીઓને લોભ-લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે વટલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ ધર્માંતરણના પ્રયાસોની સાથે જ, ખ્રિસ્તી સંસ્થા દ્વારા આદિવાસીની જમીન ઉપર કલેક્ટરની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
દેવ બિરસા સેનાએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ગેરકાયદેસર બાંધકામને કારણે મહેસૂલી કાયદાઓનો ભંગ થાય છે. સાથે જ, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (2021ના સુધારા મુજબ)ની જોગવાઈઓનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આવેદનપત્ર મુજબ, આ કૃત્ય ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 2(ક) થી 2(ચ) અને કલમ 4(2), 4(ગ) તેમજ કલમ 07 મુજબ પોલીસ અધિકારીનો અને બિનજામીનપાત્ર ગુનો બને છે.
દેવ બિરસા સેનાએ સ્પષ્ટ માંગ કરી છે કે કલેક્ટરની પરવાનગી વિના ઊભા થઈ રહેલા ગેરકાયદેસર ચર્ચ સામે રેવન્યુ અધિનિયમ અને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. તેમજ આવા કૃત્ય કરનાર ખ્રિસ્તી સંસ્થાઓ તથા પાદરીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ક્યારે અને કેવા પગલાં ભરે છે તેના પર વહાર ગામના આદિવાસીઓ અને ધાર્મિક સંગઠનોની નજર ટકેલી છે.
