વડાલીમાં સગર પરિવારનો સામૂહિક આપઘાત:દંપતી બાદ બે પુત્રનાં પણ મોત, બે ભાઈઓની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શનિવારે (12 એપ્રિલે) સવારે એક કરુણ ઘટના સામે આવી હતી. વડાલીના સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી, જેમાં પ્રથમ માતા-પિતાનાં સારવાર દરમિયાન દુઃખદ મૃત્ય થયાં છે. એ બાદ ગત રાત્રે (રવિવારે) બંને પુત્રનાં પણ મૃત્યુ થયાં હતું. હાલમાં પુત્રી ભૂમિકા સારવાર હેઠળ છે. પરિવારે દવા કેમ પીધી એ હજુ સુધી જાણી શકાયું નથી.
એક સાથે બે ભાઈઓની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આપઘાતના મામલે પાંચ જેટલા સગર સમાજના સભ્યોએ દવા ગટગટાવી હતી, જેમાં સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત થતા ગઈકાલે પતિ પત્નીની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે ગતરાત્રિના બે બાળકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ત્યારે આજે બપોર બાદ એક જ દિવસે જન્મ લેનાર જુડવા ભાઈઓની સાથે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે વડાલી શહેરમાં એક જ સાથે બે ભાઈઓની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. હાલ તો મામલે પાંચ પૈકી ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. દીકરી હાલ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
સામૂહિક આપઘાતમાં મૃત્યુઆંક ચારે પહોંચ્યો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક પરિવારના સામૂહિક આત્મહત્યાના કિસ્સામાં મૃત્યુઆંક ચાર સુધી પહોંચ્યો છે. સગરવાસમાં રહેતા વિનુભાઈ સગર પરિવારના પાંચ સભ્યોએ શનિવારે સવારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેમાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉંમર 42), તેમનાં પત્ની કોકિલાબેન (ઉંમર 40), બે પુત્ર નિલેશ (ઉંમર 18) અને નરેન્દ્રકુમાર (ઉંમર 17) તથા પુત્રી ભૂમિકા (ઉંમર 19)નો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
માતા-પિતા બાદ બે પુત્રનાં પણ મોત ઘટના અંગે જાણ થતાં આસપાસના લોકોએ સૌપ્રથમ પરિવારના તમામ સભ્યોને વડાલી પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાર બાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યાર બાદ રાત્રે કોકિલાબેનનું મોત નીપજ્યું હતું.
દીકરીની સ્થિતિ હાલ નાજુક શનિવારની મોડીરાત્રે પરિવારનાં બે પુત્ર અને એક પુત્રીને ઝેરી દવાની વધુ અસર થતાં તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક તેમની ડાયાલિસિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રવિવારે રાત્રે બંને પુત્રએ પણ અંતિમશ્વાસ લીધા જોકે 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ અને 17 વર્ષીય નરેન્દ્રની હાલત નાજુક હોવાને કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યાં હતાં, જ્યાં રવિવારે રાત્રે બંને પુત્રએ પણ અંતિમશ્વાસ લીધા હતા, જ્યારે પુત્રી ભૂમિકા હાલ સારવાર હેઠળ છે.
મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો વડાલી પોલીસ સ્ટેશનના પીએસઓ દલપતભાઈના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે સિવિલ વરધી નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક દંપતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને વડાલીમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતક વિનુભાઈનો મોબાઇલ FSLમાટે મોકલવામાં આવશે ઇડર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાત મામલે પોલીસને જાણ થતાં જ અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતક વિનુભાઈની દીકરી કૃષ્ણા ઉર્ફે ભૂમિકાની પૂછપરછ કરીને જાણવાજોગ નોંધ લેવામાં આવી છે.
ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરીને FSLમાટે મોકલવામાં આવશે. પરિવારના રહેણાક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ છે. વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. કે. જોષી તપાસ ચલાવી રહ્યા છે.
સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. પરિવારના આ અંતિમ પગલાં પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
