હિંમતનગર અને પ્રાંતિજમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:હનુમાનજીના વિવિધ મંદિરોમાં યજ્ઞ, લઘુરુદ્ર, સુંદરકાંડ અને અન્નકૂટનું આયોજન
સાબરકાંઠા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ અને અન્નકૂટના કાર્યક્રમો યોજાયા છે.
હિંમતનગરના ટાવર ચોક સ્થિત હનુમાનજી મંદિરમાં દાદાને ચાંદીની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો છે. મંદિરમાં અન્નકૂટ ભરવામાં આવ્યો હતો અને સાંજે સમૂહ આરતીનું આયોજન કરાયું હતું.
પાણપુરના બાલા હનુમાનજી મંદિરે સાતમા પાટોત્સવ નિમિત્તે મારુતિ હવન યોજાયો હતો. કટ્ટી હનુમાનજી મંદિરે 14મો નવનાથ પાટોત્સવ અને મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞ સવારે 8.15 કલાકે શરૂ થયો અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ખાડિયા હનુમાનજી મંદિરે ઉજવણી બાદ ભક્તો અને દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. પેઢમાલા ગામે શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાનજી દાદા મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો. આચાર્ય સતિષભાઈ જોશીના માર્ગદર્શનમાં હવન યોજાયો હતો. મહંત શ્રી વિજયાનંદગિરી મહારાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજના રાસલોડ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરે રંગબેરંગી લાઇટોથી શણગાર કરાયો હતો. મંદિર સંકુલમાં હવન, રામધૂન, હનુમાનચાલીસા, લઘુરુદ્ર અને સુંદરકાંડ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
