પરીક્ષાનો કાર્યક્રમ જાહેર:હિંમતનગરમાં 525 છાત્રો ગુજરાત ઓપન સ્કૂલની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના ધોરણ-10 અને ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ પરીક્ષાઓ તા.30-11-2026 સોમવારથી શરૂ થઈને તા.9-12-2026 સુધી ચાલશે.
ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1-15 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં પ્રથમ 15 મિનિટ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે.
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ બે સત્રમાં યોજાશે. જેમાં સવારનું સત્ર 10-30થી 1-45 અને બપોરનું સત્ર 3 થી 6-15 વાગ્યા સુધીનું રહેશે.
વોકેશનલ તેમજ સંગીત અને કમ્પ્યુટર જેવા કેટલાક વિષયોના સમયમાં ફેરફાર રહેશે. સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાની વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે.
હિંમતનગર ઝોનમાં ધોરણ 10 માટે કુલ 461 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ 461 વિદ્યાર્થીઓ માટે 1 કેન્દ્ર (જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય), 2 બિલ્ડિંગ અને 18 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 64 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પણ જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય ખાતે 1 કેન્દ્ર, 1 બિલ્ડીંગ અને 3 બ્લોક ફાળવવામાં આવ્યા છે.
