અકસ્માત:ખેડબ્રહ્માના ખરણીયા નજીક બે બાઈક અથડાતાં 3 યુવકોનાં મોત
ખેરોજ પંથકમાં ખરણીયાની સીમમાં સોમવારે સાંજે બે બાઈક ટકરાતાં બંને બાઈકચાલક સહિત કુલ 3 યુવકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સોમવારના રોજ સાંજે આશરે 18:00 કલાકે પોલાપન ગામના મુકેશભાઈ શામળભાઈ પરમાર તેમના કાકાનું બાઈક નં GJ-09-DP-0245 લઈને કાકાના દીકરા વિજયભાઈ તથા તેમના પુત્ર રાજેશભાઈ સાથે લાંબડીયા તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન સામેથી બાઈક નં GJ-18-DP-0439 લઈને આવી રહેલા ચાલક સોહનભાઈ ઈશ્વરભાઈ પરમાર (રહે. નાડા, તા. પોશીના) એ રોંગ સાઈડમાં આવી મુકેશભાઈના બાઈકને ટક્કર મારી હતી.
આ ટક્કરમાં બંને બાઈક ચાલક મુકેશભાઈ પરમાર અને સોહનભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે સોહનભાઈની બાઈક પાછળ બેઠેલા તેમના ભાઈ ગૌતમભાઈ ઈશ્વરભાઈ ગમારનું વધુ સારવાર અર્થે વડાલી લઈ જતી વખતે રસ્તામાં મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈ અને રાજેશભાઈને હિંમતનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય ઈજાગ્રસ્ત અરવિંદભાઈ અરજણભાઈ ગમારને વધુ ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે મૃતક મુકેશભાઈના મોટાભાઈ લલીતભાઈ શામળભાઈ પરમાર (36, રહે. પોલાપન)ની ફરિયાદના આધારે ખેરોજ પોલીસે મૃતક ચાલક સોહનભાઈ પરમાર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
