રાજકોટના એસ.કે. ચોક નજીક સામે જોવા બાબતે યુવકની હત્યા કરાઈ:3 સંતાનો નિરાધાર બન્યા; મુખ્ય આરોપી સાયબર ફ્રોડના 2 ગુનામાં જેલ જઈ ચૂક્યો છે; બે આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસ.કે. ચોક નજીક સામે જોવા જેવી બાબતમાં થયેલી બોલાચાલી બાદ 34 વર્ષીય મનીષ પરમારની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધ્યો હતો, જ્યારે LCB ઝોન 2ની ટીમે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી અબ્દુલગની અને મદદગારી કરનાર રિયાઝની ધરપકડ કરી છે.
મઢુલી પાન પાસે બોલાચાલી થતાં મિત્ર પાસે છરી મંગાવી હુમલો કર્યો રાજકોટ શહેર એસીપી આર.એસ. બારીઆએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે એસ.કે. ચોક નજીક મઢુલી પાન પાસે મનીષ પરમાર બેઠા હતા ત્યારે આરોપી અબ્દુલગની મેમણ સાથે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા અબ્દુલગનીએ તેના મિત્ર રિયાઝને છરી લાવવા કહ્યું હતું અને મનીષ પરમારને છરીના ઘા ઝીંકી દેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આરોપી અબ્દુલગની અગાઉ સાયબર ફ્રોડના 2 ગુનામાં સંડોવાયેલો હતો રાજકોટ શહેર LCB ઝોન 2ની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલગની ડાંગસીયા અને રિયાઝ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અબ્દુલગની વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના 2 ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો, જેથી પોલીસે રિમાન્ડ મેળવી છરી કબજે કરવા તપાસ શરૂ કરી છે.
મૃતક યુવક ડ્રાઇવિંગ અને ટિફિન સર્વિસ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા મૃતક મનીષ પરમાર ગાંધીગ્રામ શેરી નંબર 12માં રહેતા હતા અને છૂટક ડ્રાઇવિંગ તેમજ ટિફિન સર્વિસનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો હોવાનું સામે આવ્યું છે, જેમના પરથી પિતાની છત્રછાયા છીનવાઈ જતાં પરિવારમાં શોક ફેલાયો છે.
