મોરબી રોડ પર પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ:આડા સંબંધની શંકામાં પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેરી દવા પી ફરાર થયો હતો
રાજકોટના મોરબી રોડ સ્થિત વેલનાથપરામાં ગત 20 નવેમ્બર, શુક્રવારના રોજ પત્ની શારદાબેનની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ઝેરી દવા પી ફરાર થયેલા 55 વર્ષીય પતિ પ્રવીણ પરસોંડાની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા અને ગૃહકંકાશને કારણે પતિએ આ હત્યા નીપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીને દબોચી લીધો ઘટના બાદ બી ડિવિઝન પોલીસે FSLની મદદ લઈ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરાર આરોપીને ઝડપી પાડવા બી ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમોએ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન શનિવારે રાત્રે આરોપી પ્રવીણ પરસોંડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
મૃતક યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા પોલીસ તપાસ મુજબ, પ્રવીણ અને શારદાબેન મોરબી રોડ પરની સ્કાય સોસાયટીમાં મોટા પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા, તથા તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પ્રવીણ છૂટક મજૂરીકામ અને મોટો પુત્ર રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો, જ્યારે શારદાબેન મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા.
