ઘંટેશ્વરમાં રહેણાક હેતુના ફ્લેટ્સનો કોમર્શિયલ ઉપયોગ:ક્રિસ્ટલ એવન્યુ એપાર્ટમેન્ટના 19 ફ્લેટ મારવાડી યુનિ.ને ભાડે અપાતા શરતભંગની દરખાસ્ત કરાઇ
રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા વર્ધમાનનગર સ્થિત ‘ક્રિસ્ટલ એવન્યુ’ એપાર્ટમેન્ટમાં રહેણાક હેતુના ફ્લેટનો કોમર્શિયલ (વાણિજ્ય) વપરાશ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ મામલે રાજકોટ શહેર-2ના નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બિનખેતી શરતભંગ બદલ લેન્ડ રેવન્યૂ કોડની કલમ-66 હેઠળ કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે.
ક્રિસ્ટલ એવન્યુમાં રહેણાક એકમોનો વાણિજ્ય ઉપયોગ થતો હોવાની ફરિયાદ બે અરજદારો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરાયો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, ક્રિસ્ટલ એવન્યુ એન્ટરપ્રાઇઝ અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે તારીખ 20 ઓગસ્ટ, 2025ના રોજ એક લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ 1 જુલાઈ, 2025થી 36 મહિનાના સમયગાળા માટે એપાર્ટમેન્ટના સી-વિંગના કુલ 19 ફ્લેટ (ક્રમ નંબર 21 થી 39) યુનિવર્સિટીને ભાડે આપવામાં આવ્યા છે.
છેલ્લા 16 મહિનાથી રહેણાક મકાનોમાં બિનપરવાનગી કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સ્પષ્ટ થતાં મામલતદારે શરતભંગ દાખલ કરવા હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. જેના આધારે નાયબ કલેક્ટર ભરતભાઈ આર. ચાવડાએ 127 પાનાના સાધનિક કાગળો અને પુરાવા સાથે શરતભંગની કાર્યવાહી કરવા કલેક્ટર કચેરીની બિનખેતી શરતભંગ શાખાને રિપોર્ટ સોંપ્યો છે.
‘ગૂગલ અર્થ’ની મદદ લેવાઈ, પ્રોપર્ટી કાર્ડ પણ નથી બન્યા ગૂગલ અર્થથી માપણી: ક્રિસ્ટલ એવન્યુ એન્ટરપ્રાઇઝ દ્વારા બિલ્ડિંગના લે-આઉટ પ્લાનની પ્રમાણિત નકલ રજૂ ન કરાતા, તંત્રએ ઓનલાઇન ‘ગૂગલ અર્થ’ પરથી ખરાઈ કરી હતી, જેમાં સી-વિંગનું અંદાજિત ક્ષેત્રફળ 1000 ચોરસ મીટર જેટલું જણાયું છે. પ્રોપર્ટી કાર્ડનો અભાવ: જમીન દફ્તર નિરીક્ષકના રિપોર્ટ મુજબ આ સરવે નંબરની હક્ક ચોકસી થઈ ન હોવાથી ફ્લેટધારકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી તેમજ રિ-સેલ થયેલા ફ્લેટની વિગતો પણ ઉપલબ્ધ નથી.
ઘંટેશ્વરમાં રહેણાક હેતુના ફ્લેટ્સનો કોમર્શિયલ ઉપયોગ: કલમ-66 હેઠળ કાર્યવાહીની ભલામણ
