રસ્તાઓનું માર્કિંગ કરી વિગતો ગાંધીનગર પ્લાનિંગ શાખાને મોકલી અપાશે:શહેરના લકડી બંદર અને સુભાષનગર વિસ્તારના બિસ્માર રસ્તાઓ નવા બનશે
પોરબંદરના લકડી બંદર થી સુભાસનગર જતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ રસ્તાનું નવીનીકરણ મનપા મારફતે કરવાની મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પોરબંદરના જનતા પેટ્રોલ પંપ રોડ, લકડી બંદર અને સુભાષનગર વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટો રિપેર કરવા તેમજ નવી લાઈટો ચાલુ કરવા અંગેની રજૂઆત બાદ મેરીટાઈમ બોર્ડ દ્વારા સત્તાવાર પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો છે, જે મુજબ ફિશ માર્કેટથી લકડી બંદર તરફ જતા રસ્તાની કામગીરી પોરબંદર મહાનગરપાલિકા મારફતે ડિપોઝિટ વર્ક તરીકે કરાવવાનો નિર્ણય લેવાયો છે.
આ રોડ માટે કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભમાં પોરબંદર બંદર અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, ગાંધીનગર પ્લાનિંગ સેલના કાર્યપાલક ઈજનેરના પત્ર તેમજ મિટિંગમાં થયેલા નિર્ણય મુજબ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા મહાનગરપાલિકા મારફતે આ કામગીરી કરાવવામાં આવશે.
વધુમાં, ભવિષ્યમાં પણ આ રસ્તાની મરામત અને જાળવણીની જવાબદારી મહાનગર પાલિકા દ્વારા નિભાવવામાં આવે તે મુજબ જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે અને તે માટે રસ્તાઓનું માર્કિંગ કરી જરૂરી વિગતો ગાંધીનગર પ્લાનિંગ શાખાને મોકલી આપવામાં આવી હોવાનું બંદર અધિકારીએ પત્રમાં જણાવ્યું છે.
