Wed, Nov 25, 2026Updated 02:04 PM IST
Google Preferred Source CTA

7 મિનિટમાં વૃદ્ધ દંપતીના 3 ખાતામાંથી UPIથી 4.98 લાખ ઉપાડ્યા:72 વર્ષીય બેંકના નિવૃત્તકર્મીને સાયબર ગઠિયાઓએ ફેસબુક લિંકથી બાટલીમાં ઉતાર્યા, વીડિયો કોલ બાદ મોબાઈલ હેક કર્યો

પાટણ3 કલાક પેહલા
Loading advertisement...

પાટણ તાલુકાના મણુંદ ગામમાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી અને તેમના પત્નીના ત્રણ બેંક ખાતામાંથી અજાણ્યા સાયબર ગઠિયાએ 4.98 લાખ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી આચરી છે. ફેસબુક પર બેંકની નકલી લિંક મારફતે વિગતો મેળવ્યા બાદ આરોપીએ બેંકની હેડ ઓફિસના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી મોબાઈલ હેક કરી આ ગુનો કર્યો હોવાની ફરિયાદ રણુજ પોલીસ મથકે નોંધાઈ છે.

Loading advertisement...

નકલી લિંક પર પીએફ નંબર અને વીડિયો કોલમાં એટીએમ કાર્ડ બતાવ્યું

પાટણ તાલુકાના મણુંદ ગામમાં રહેતા દિનેશકુમાર ત્રિકમલાલ અમીન પટેલ પંજાબ નેશનલ બેંકની રાજસ્થાન સ્થિત આબુરોડ શાખામાંથી નિવૃત્ત થયા છે અને હાલમાં પેન્શન મેળવે છે. 15 ઓક્ટોબરે રાત્રે 9:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાના મોબાઈલમાં ફેસબુક જોઈ રહ્યા હતા. આ દરમિયાન પંજાબ નેશનલ બેંકના સિમ્બોલવાળી એક લિંક દેખાતા તેમણે તે ઓપન કરી હતી. લિંકમાં ખુલેલા ફોર્મમાં પ્રોવિડન્ટ ફંડ નંબર માંગવામાં આવતા દિનેશકુમારે પોતાનો પીએફ નંબર દાખલ કરીને સબમિટ કર્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે 16 ઓક્ટોબરે સવારે 10:00 વાગ્યાના સુમારે તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે બેંકની હેડ ઓફિસમાંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપી હતી અને અવાજ બરાબર ન આવતો હોવાનું બહાનું કાઢી વીડિયો કોલ કર્યો હતો. આરોપીએ દિનેશકુમાર પાસેથી તેમના પત્ની નિરૂબેનનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો અને તેના પર સાદો કોલ કરી વાતચીત ચાલુ રાખી હતી. વાતચીત દરમિયાન ગઠિયાએ વીડિયો કોલમાં પંજાબ નેશનલ બેંકનું એટીએમ કાર્ડ બતાવવાનું કહેતા ફરિયાદીએ કાર્ડ બતાવ્યું હતું.

Loading advertisement...

માત્ર 7 મિનિટમાં યુપીઆઈ મારફતે 4.98 લાખ રૂપિયા ઉપાડી લીધા

એટીએમ કાર્ડ બતાવ્યા બાદ ગઠિયાએ બંને કોલ કાપી નાખ્યા હતા અને થોડા સમય માટે દિનેશકુમારનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ બપોરના સમયે મોબાઈલ પર આવેલા ટેક્સ્ટ મેસેજ પરથી જાણ થઈ હતી કે સવારે 11:15 થી 11:22 વાગ્યાના માત્ર 7 મિનિટના સમયગાળામાં તેમના તથા તેમના પત્નીના પંજાબ નેશનલ બેંકના ત્રણ અલગ-અલગ ખાતામાંથી યુપીઆઈ મારફતે કુલ 4,98,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.

ખાતાવાર ડેબિટ થયેલી રકમની વિગત

દિનેશકુમારના પોતાના ખાતામાંથી: 50,000 રૂપિયા

પત્ની સાથેના જોઈન્ટ ખાતામાંથી: 2,18,000 રૂપિયા

પત્ની નિરૂબેનના અલગ ખાતામાંથી: 2,30,000 રૂપિયા

કુલ ઉપાડેલી રકમ: 4,98,000 રૂપિયા

1930 પર ફરિયાદ અને 8,000 રૂપિયા પરત જમા

આ ઘટના અંગે ભોગ બનનારે 19 ઓક્ટોબરે સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવતા ઈ-ઝીરો એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. ફરિયાદ બાદ 21 ઓક્ટોબરે રેઝરપે મારફતે જોઈન્ટ ખાતામાં 8,000 રૂપિયા પરત જમા થયા હતા. આ સમગ્ર મામલે રણુજ પોલીસે અજાણ્યા સાયબર ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર સુરક્ષા અજાણી લિંક પર અંગત કે બેંકિંગ વિગતો દાખલ ન કરો અને વીડિયો કોલ પર એટીએમ કાર્ડ કે ઓટીપી જેવી માહિતી શેર કરવાનું ટાળો. સાયબર છેતરપિંડી થાય ત્યારે તાત્કાલિક હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો