સુવિધા:પાટણના ખાલકપરા ફાટકનું 80 ટકા કામ પૂર્ણ, બે મહિનામાં કામ પૂર્ણ કરીને અંડરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકાશે
પાટણ શહેરના ખાલકસાપીર રોડ પર નિર્માણાધીન રેલવે અંડરબ્રિજની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી છે. પાઈપ લાઇન સ્થળાંતરના કારણોસર થોડો સમય અટકેલી આ કામગીરીમાં આવતા અવરોધો દૂર થતાં પૂર ઝડપે કામગીરી શરૂ કરતા આગામી બે માસમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
કામ પૂર્ણ થતા અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે જેનાથી આજુબાજુ આવેલી 10 જેટલી સોસાયટીના રહીશો અને વાહન ચાલકોને પડતી અવરજવરની હાલાકીનો કાયમી અંત આવશે.
આ વિસ્તારમાં ફાટક તરફના એક છેડાની કામગીરી જમીનમાં રહેલી નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઈન, પાણીની પાઈપલાઈનના શિફ્ટિંગને કારણે થોડા સમય માટે અટકી પડ્યું હતું.
આ લાઈનો હટાવવા માટે નગરપાલિકા અને ગેસ એજન્સી સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઈઝર સંજયભાઈએ જણાવ્યું હતું કે હાઈવે તરફના ભાગમાં આવેલી પાઈપલાઈનો દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
હાલમાં સ્લેબ, બન્ને છેડાની દીવાલ તૈયાર કરી આરસીસી સહિતનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.અંડરબ્રીજનું બાકી રહેલું 20 કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.આગામી બે માસમાં જ આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે.
રહીશોની સમસ્યાનો અંત આવશે વિસ્તારમાં રહેલ ઝીલ રેસિડેન્સી, સાંઈ વિલા, જય બંગલોઝ, દેવ વિનાયક અને સૃષ્ટિ એવન્યુ સહિતની 10 સોસાયટીના આશરે એક હજારથી વધુ નાગરિકોને અવરજવર માટે 43-C ફાટક તરફથી 2 કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડે છે. અંડરબ્રીજ શરૂ થતાં આ અંતર ઘટશે અને સીધો માર્ગ ઉપલબ્ધ બનશે.તેમજ વાહનચાલકોને રોજિંદા પેટ્રોલના વધારાના ખર્ચમાંથી મોટી આર્થિક રાહત મળશે.
