બેટરીનો કાળો પાવડર ગુજરાત માટે સોનાની ખાણ બનશે ?:બ્લેક માસના એક્સપોર્ટ પર કેન્દ્ર સરકાનો પ્રતિબંધ, સાણંદ, મુંદ્રા અને હાલોલને થઈ શકે મોટો ફાયદો
10 નવેમ્બર 2026ના રોજ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (DGFT)એ લિથિયમ-આયન બેટરીમાંથી મળતા 'બ્લેક માસ'ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જૂની બેટરીઓને કચડ્યા પછી જે ધાતુઓથી ભરપૂર કાળો પાવડર મળે છે, તેને બ્લેક માસ કહેવામાં આવે છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને આગામી આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, દેશના રિસાયક્લિંગ પ્લાન્ટ્સને પૂરતો કાચો માલ મળતો નથી. કેટલાક રિસાયકલરોએ વિદેશમાંથી પણ માલ મંગાવવો પડ્યો છે, જ્યારે ભારતમાં તૈયાર થતો બ્લેક માસ વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હતો. આ પ્રતિબંધનો હેતુ એ છે કે આ કાચા માલનું રિસાયક્લિંગ અને શુદ્ધિકરણ દેશમાં જ થાય.
એક કાળા પાવડર માટે સરકાર આટલી ચિંતિત કેમ છે? કારણ કે ભારત પોતાની લિથિયમની લગભગ તમામ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. બીજી તરફ, દેશમાં જ લિથિયમ-આયન બેટરીનું ઉત્પાદન શરૂ થવાની તૈયારી છે. જૂની બેટરીઓમાં પણ અનેક કિમતી ધાતુઓ છુપાયેલી હોય છે.
ભારતને જે ધાતુઓ ખરીદવી પડે છે ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ ફોન અને સોલર એનર્જી સ્ટોરેજમાં વપરાતી લિથિયમ-આયન બેટરીઓ અનેક એવી ધાતુઓમાંથી બને છે, જે ભારતે મોટા ભાગે આયાત કરવી પડે છે. લિથિયમ અને કોબાલ્ટ માટે ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે, જ્યારે નિકલનો પણ મોટો હિસ્સો વિદેશમાંથી આવે છે. વેપારના આંકડા મુજબ, 2025-26માં ભારતે લિથિયમ-આયન બેટરીની આયાત પાછળ લગભગ 4.7 અબજ ડૉલર ખર્ચ્યા હતા. આ જ ધાતુઓ જૂની બેટરીઓમાં પણ હોય છે. રિસાયક્લિંગ દ્વારા તેને ફરીથી મેળવી શકાય છે. આ પ્રક્રિયાને 'અર્બન માઇનિંગ' કહેવામાં આવે છે. એટલે કે, વપરાઈ ચૂકેલી વસ્તુઓમાંથીકિમતી ધાતુઓ પાછી મેળવવી.
જૂની બેટરીઓની અંદર શું હોય છે? ભારતમાં જૂની બેટરીઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે: લેડ-ઍસિડ અને લિથિયમ-આયન. બંને પ્રકારની બેટરીઓમાંથી અલગ-અલગ ઉપયોગી સામગ્રી પાછી મેળવી શકાય છે. વાહનો, ટેલિકોમ ટાવર અને UPSમાં વપરાતી લેડ-ઍસિડ બેટરીઓનું રિસાયક્લિંગ મુખ્યત્વે સીસું મેળવવા માટે થાય છે, કારણ કે તે તેનો સૌથી કિમતી ભાગ છે. તેના પ્લાસ્ટિકના કવરને રિસાયકલ કરીને દાણા (પેલેટ્સ) બનાવી શકાય છે, જ્યારે અંદરના ઍસિડનો સુરક્ષિત રીતે નિકાલ કરવો પડે છે.
બીજી તરફ, ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ ફોન, લેપટોપ અને એનર્જી સ્ટોરેજમાં વપરાતી લિથિયમ-આયન બેટરીઓમાંથી લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ મેળવી શકાય છે. આ ઉપરાંત ગ્રેફાઇટ, તાંબું અને ઍલ્યુમિનિયમ પણ પાછાં મેળવી શકાય છે. લિથિયમ-આયન બેટરીના રિસાયક્લિંગમાં સૌથી મહત્ત્વનું મધ્યવર્તી ઉત્પાદન બ્લેક માસ છે. જૂની બેટરીઓ અને બેટરી ફેક્ટરીઓના ભંગારને કચડીને આ કાળો પાવડર તૈયાર કરવામાં આવે છે. તેમાં લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ ઉપરાંત ધાતુના ફોઇલ અને અન્ય સામગ્રી પણ હોય છે. ત્યારબાદ ખાસ રિસાયક્લિંગ પ્લાન્ટ્સમાં ઊંચા તાપમાને અથવા રાસાયણિક દ્રાવણની મદદથી આ ધાતુઓને અલગ કરીને શુદ્ધ કરવામાં આવે છે.
ઊંચા તાપમાને ગલન (સ્મેલ્ટિંગ) કરવાની પદ્ધતિમાં કોબાલ્ટ, નિકલ અને તાંબું પાછાં મેળવી શકાય છે, પરંતુ લિથિયમ સામાન્ય રીતે આ પ્રક્રિયામાં ગુમાવાય છે. બીજી તરફ, રાસાયણિક પ્રક્રિયા દ્વારા લિથિયમ પણ પાછું મેળવી શકાય છે. આ પ્રક્રિયામાં મળતી કેટલીક સામગ્રી એટલી શુદ્ધ હોય છે કે તેનો ઉપયોગ નવી બેટરીઓ બનાવવામાં પણ થઈ શકે છે.
ગુજરાતમાં હવે બેટરી ઉત્પાદનની તૈયારી આ સમગ્ર બાબતમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વની બની શકે છે. સાણંદમાં ટાટા ગ્રુપની બેટરી કંપની એગ્રાટસે બેટરી સેલ બનાવવાના પ્લાન્ટનું સ્ટીલ માળખું તૈયાર કરી દીધું છે. પ્રથમ તબક્કામાં આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 GWh રાખવાનું આયોજન છે. અહીં ઉત્પાદન 2027માં શરૂ થવાની અપેક્ષા છે. બીજી તરફ, હાંસલપુરમાં તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ હેઠળના TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ વાહનોની બેટરી માટે ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન 26 ઑગસ્ટ 2025ના રોજ કરવામાં આવ્યું હતું.
બેટરી ફેક્ટરીઓમાંથી તૈયાર બેટરીઓની સાથે ઉત્પાદન દરમિયાન થતો ભંગાર પણ નીકળે છે. નીતિ આયોગના સહયોગથી TERI દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2035 સુધીમાં બેટરી ફેક્ટરીઓમાંથી નીકળતા આ ભંગારનો જથ્થો વાર્ષિક લગભગ 55,000 ટન થઈ શકે છે. આ જથ્થો વપરાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાંથી નીકળતા ભંગાર જેટલો જ હોઈ શકે છે.
સરકારનાં પગલાં આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર મુખ્યત્વે ત્રણ દિશામાં કામ કરી રહી છે.
1. નવા નિયમો બેટરી બનાવતી કંપનીઓએ નવી બેટરીઓમાં દેશમાં જ રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. EV અને પોર્ટેબલ બેટરીઓ માટે આ નિયમની શરૂઆત 2027-28થી 5 ટકાના લક્ષ્યાંક સાથે થશે, જે 2030-31 સુધીમાં વધારીને 20 ટકા કરવામાં આવશે. આ ઉપરાંત, રિસાયકલરો માટે પણ બેટરીમાંથી ધાતુઓ પાછી મેળવવાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે.
2. રિસાયકલરોને નાણાકીય સહાય સપ્ટેમ્બર 2025માં મંજૂર થયેલી ₹1,500 કરોડની યોજનામાં 20 ટકા મૂડી સબસિડી અને વેચાણ આધારિત સંચાલન સબસિડીની જોગવાઈ છે. આ યોજના એવી કંપનીઓને પ્રોત્સાહન આપે છે, જે ખરેખર ક્રિટિકલ મિનરલ્સને અલગ કરીને પાછાં મેળવે છે. માત્ર બ્લેક માસ તૈયાર કરતી કંપનીઓને આ યોજનાનો લાભ મળતો નથી.
એપ્રિલ 2026 સુધીમાં 58 કંપનીઓ આ યોજના હેઠળ પાત્ર ઠરી હતી. તેમણે બેટરી, ઇ-વેસ્ટ અને અન્ય પ્રકારના ભંગારના રિસાયક્લિંગ માટે મળીને લગભગ ₹5,000 કરોડના રોકાણ અને વાર્ષિક આશરે 8.5 લાખ ટન રિસાયક્લિંગ ક્ષમતાનું વચન આપ્યું છે. જોકે, આ આંકડા કંપનીઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે, કાર્યરત પ્લાન્ટની વાસ્તવિક ક્ષમતા નહીં.
3. બ્લેક માસની નિકાસ પર પ્રતિબંધ 10 નવેમ્બર 2026થી બ્લેક માસની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. હવે આ સામગ્રી દેશની બહાર મોકલી શકાશે નહીં. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાનો હેતુ દેશમાં જ રિસાયક્લિંગ અને ક્રિટિકલ મિનરલ્સની પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાતનો જવાબ: હાલોલ અને મુંદ્રા ગુજરાતમાં બેટરી રિસાયક્લિંગના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. હાલોલમાં રૂબામિને 2025માં એક રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. આ પ્લાન્ટમાં દર વર્ષે 10,000 ટન જૂની બેટરીઓને કચડી શકાય છે. કંપનીના જણાવ્યા મુજબ, તે વાર્ષિક આશરે 7,500 ટન બ્લેક માસનું પ્રોસેસિંગ પણ કરી શકે છે. બીજી તરફ, મુંદ્રામાં ગ્રાવિટા ઇન્ડિયાએ જાન્યુઆરી 2026માં વાર્ષિક 6,000 ટનની ક્ષમતા ધરાવતો લિથિયમ-આયન બેટરી રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે.
તો શું જૂની બેટરીઓ ખરેખર 'સોનાની ખાણ' છે? જૂની બેટરીઓ માત્ર કચરો નથી. તે કિમતી ધાતુઓનો એક મહત્ત્વનો સ્રોત છે. લેડ-ઍસિડ બેટરીમાંથી સીસું પાછું મેળવી શકાય છે, જ્યારે લિથિયમ-આયન બેટરીમાંથી લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ પાછી મેળવી શકાય છે. આ એવી ધાતુઓ છે, જેની ભારતને મોટા પ્રમાણમાં આયાત કરવી પડે છે. સરકારનું માનવું છે કે બ્લેક માસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી આ કાચો માલ દેશમાં જ ઉપલબ્ધ રહેશે અને અહીં જ તેનું રિસાયક્લિંગ તથા શુદ્ધિકરણ થઈ શકશે.
ભારત પોતાની લિથિયમની જરૂરિયાત માટે વિદેશ પર નિર્ભર છે, પરંતુ દરેક જૂની લિથિયમ-આયન બેટરીમાંથી થોડા પ્રમાણમાં લિથિયમ સહિતની અન્યકિમતી ધાતુઓ પાછી મેળવી શકાય છે. ગુજરાતમાં બેટરી ઉત્પાદનનું નવું ક્ષેત્ર વિકસી રહ્યું છે. સાણંદ અને હાંસલપુરમાં ઉત્પાદનની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે હાલોલ અને મુંદ્રામાં બેટરી રિસાયક્લિંગના પ્લાન્ટ કાર્યરત છે. એટલે જ હવે બેટરીની ઉપયોગિતા પૂરી થઈ જાય ત્યારે તેની કહાની પૂરી થતી નથી. હકીકતમાં, ત્યાંથી જ કિમતી ધાતુઓને ફરી મેળવવાની નવી શરૂઆત થાય છે.
