10 દિવસમાં 6.57 લાખ પ્રવાસીઓ એકતાનગર પહોંચ્યા:ગત વર્ષની સરખામણીએ સંખ્યામાં 32.35% વધારો; રેઇન ફોરેસ્ટ અને એકતા ક્રૂઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે દિવાળીની રજાઓમાં 6થી 15 નવેમ્બર દરમિયાન 6.57 લાખથી વધુ પ્રવાસીઓએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ગત વર્ષે દિવાળીમાં અંદાજે 5.21 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 32.35% વધારો થયો છે. ટિકિટ બુકિંગના આંકડા મુજબ આ દિવાળીમાં અંદાજે 1.36 લાખ પ્રવાસીઓ વધુ આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે.
એક દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ આવ્યાનો દાવો કરાયો ટિકિટ બુકિંગના આંકડા અનુસાર, આ દિવાળીમાં પ્રવાસીઓની સંખ્યાનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે. ભારત પર્વ, પ્રકાશ પર્વ અને નર્મદા આરતીમાં 1 દિવસમાં દોઢ લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો દાવો કરાયો છે. અગાઉ 1 દિવસમાં 95 હજાર પ્રવાસીઓ આવવાનો રેકોર્ડ નોંધાયેલો હતો.
રેઇન ફોરેસ્ટ અને એકતા ક્રૂઝ પ્રવાસીઓ માટે આકર્ષણ બન્યાં એકતાનગરમાં નવા પ્રવાસન સ્થળો અને સુવિધાઓના ઉમેરાથી મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરમાં શરૂ થયેલા રેઇન ફોરેસ્ટ, વામન વૃક્ષ વાટિકા, એકતા ક્રૂઝ અને ઇકો ટ્રેઇલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યાં છે. આ ઉપરાંત એકતા પ્રકાશ પર્વની લાઇટિંગ, ભારત પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમો, નર્મદા આરતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે.
પ્રકાશ પર્વ ચાલુ હોવાથી હાલ રોજના 40 હજાર પ્રવાસીઓ 15 નવેમ્બર સુધીમાં એકતાનગરની મુલાકાત લેનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 6.57 લાખ જેટલી નોંધાઈ હતી. 16 નવેમ્બરે જાહેર રજા અને ભારત પર્વની પૂર્ણાહુતિ થઈ હતી. જોકે, એકતાનગરમાં હાલ પ્રકાશ પર્વ ચાલુ હોવાથી રોજના 35થી 40 હજાર પ્રવાસીઓ આવી રહ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
