મહેસાણા–મરેડા હાઇ-વે પર સામેત્રા નજીક ગમખ્વાર અકસ્માત:પૂરઝડપે આવતી અર્ટિગા કારે પાછળથી ટક્કર મારતા CNG રિક્ષા પલટી ગઈ, ચાલકનું ઘટનાસ્થળે જ મોત
મહેસાણા તાલુકાના મરેડા ગામથી મહેસાણા તરફ જતા હાઇ-વે રોડ પર સામેત્રા ગામ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં CNG રિક્ષા ચાલકનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી સફેદ રંગની અર્ટિગા કારના ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા આ ગોઝારો બનાવ બન્યો હતો, જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.
બપોરે 12 વાગ્યે હાઇવેના કટ પાસે રિક્ષા વાળતી વખતે અર્ટિગા કારે પાછળથી ટક્કર મારી મળતી વિગતો અનુસાર, મરેડા માધુપુરા ઠાકોરવાસ ખાતે રહેતા ગોપાળજી માવજી નાથુજી ઠાકોર પોતાની CNG રિક્ષા લઈને મરેડા ગામથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે સામેત્રા ગામના હાઇવે રોડ પર આવેલ ભંગારની દુકાન સામેના કટ પાસે તેઓ રિક્ષા વાળીને મહેસાણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ધસી આવેલી સફેદ કલરની અર્ટિગા ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
મૃતકના પુત્રએ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ આ જોરદાર ટક્કરના કારણે CNG રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષા ચાલક ગોપાળજીભાઈ ઠાકોરને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતા મૃતકના પુત્ર 34 વર્ષીય સંદીપકુમાર ગોપાળજી માવજી ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જરૂરી ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સંદીપકુમાર ઠાકોરે ફરાર અર્ટિગા કારના ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
