રાપરના વરણું ગામમાં ભીષણ આગ:પાંચ માલધારીઓના 50 ટ્રેક્ટર ઘાસચારો બળીને ખાખ, 3 લાખથી વધુનું નુકસાન
રાપર તાલુકાના આડેસર નજીક આવેલા વરણું ગામમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાઇવે પટ્ટીના વરણું ગામે પશુઓ માટે રાખેલા ઘાસચારાના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી.
આ આગમાં પાંચ માલધારીઓનો 50 ટ્રેક્ટર જેટલો સૂકો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા ત્રણથી ચાર લાખની નુકસાની થઈ છે. આગને કાબૂમાં લેવા માટે ભચાઉ અને રાપર ફાયર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા.
શ્યામ મારાજે જણાવ્યું કે, તેમની સાથે શંકર મારાજ, રમેશ નાનજી મારાજ, રાણા પાલા ભરવાડ અને મહેશ શિવરામ મારાજના વાડામાં રાખેલો ઘાસચારો બળી ગયો છે. આગ ત્રણ કલાક સુધી કાબૂમાં ન આવી હોવાનું કારણ એ હતું કે રાપર ફાયર વિભાગના વાહનો અન્ય સ્થળે આગ બુઝાવવામાં વ્યસ્ત હતા. ત્યારબાદ ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ બનાવ સ્થળનું અંતર વધુ હોવાથી તેઓ સમયસર પહોંચી શક્યા નહોતા.
