નડિયાદમાં કોલેજ રોડ પર આગ દુર્ઘટના બાદ પાલિકાની લાલ આંખ:બિયર બાર સહિતના એકમોને 7 દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા આખરી નોટિસ, બાદમાં ડિમોલિશનની કાર્યવાહી કરાશે
નડિયાદના કોલેજ રોડ પર દિવાળીના બેસતા વર્ષના દિવસે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ 10 દિવસમાં નડિયાદ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આગમાં મગ પુલાવની દુકાનથી શરૂ થયેલી જ્વાળાઓએ કપડાં, નાસ્તા અને બિયર બાર સહિત કુલ 8 દુકાનોને ઝપેટમાં લીધી હતી. આ દુર્ઘટના બાદ દુકાનોમાં ફાયર સેફ્ટીની પ્રાથમિક સુવિધાઓનો અભાવ સામે આવ્યો હતો. હવે મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો અને રહેણાંક મિલકતોના કોમર્શિયલ ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
રહેણાંક જમીન પર કોમર્શિયલ બાંધકામ સામે કાર્યવાહી મહાનગરપાલિકા કમિશનર કિરણ ઝવેરીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. ફાયર વિભાગના રિપોર્ટ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસના આધારે ગેરકાયદે બાંધકામ કરનારા સંચાલકો અને જમીનમાલિકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રહેણાંક હેતુ માટેની જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને વેપારી પ્રવૃત્તિઓ ચલાવનારાઓને નોટિસ પાઠવવામાં આવી છે.
બિયર બારના સંચાલકને 7 દિવસની આખરી મુદત વાણીયાવાડ સર્કલ પાસે આવેલા બિયર બાર-2ના સંચાલકને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્થળ તપાસ દરમિયાન માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરીને તેનો વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ બાંધકામ 7 દિવસમાં સ્વખર્ચે દૂર કરવા આદેશ કરાયો છે. જો સમયમર્યાદામાં બાંધકામ દૂર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા કાયદેસર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાણી-ગટરના જોડાણ કાપવા અને દંડ વસૂલવા આદેશ પાલિકા કમિશનરે માત્ર નોટિસ સુધી કાર્યવાહી મર્યાદિત ન રાખતાં સ્થળ પર કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. સિટી એન્જિનિયરને ગેરકાયદે એકમોના પાણી અને ગટરના જોડાણ તાત્કાલિક કાપી નાખવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ટેક્સ વિભાગને રહેણાંક મિલકતનો કોમર્શિયલ ઉપયોગ કરવા બદલ નિયમ મુજબ ભારે દંડ અને મિલકત વેરો વસૂલવાની કાર્યવાહી કરવા જણાવાયું છે. ગેરકાયદે દુકાનોના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
અન્ય મોટા બાંધકામો અને ફાયર એનઓસી વગરના એકમોની તપાસ કોલેજ રોડ આગની ઘટના બાદ પાલિકા દ્વારા 500 ચોરસ મીટર કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા અન્ય બાંધકામોની પણ સમીક્ષા શરૂ કરવામાં આવી છે. ફાયર એનઓસી વગર કાર્યરત એકમો સામે રિજનલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દુકાનોની પાછળના ભાગે સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ધંધાઓ અંગે પણ તપાસની જવાબદારી નાયબ કમિશનરને સોંપવામાં આવી છે.
