ગિરનારની લીલી પરિક્રમા પહેલા જૂનાગઢ SOGનો મોટો સપાટો:₹14.81 લાખના 29.63 કિલો ગાંજા સાથે 3 શખ્સ ઝડપાયા, કુલ ₹16.12 લાખનો મુદ્દામાલ જપ્ત
આગામી સમયમાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આવી રહી છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન શહેરમાં નશાનો કાળો કારોબાર ફેલાય તે પહેલાં જ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટી સફળતા મેળવી છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના હેઠળ પેટ્રોલિંગમાં રહેલી SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ 66 કે.વી.થી ખામધ્રોળ તરફ જતા રોડ પર દરોડો પાડીને 29.634 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, કાર અને મોબાઈલ સહિત કુલ ₹16,12,850નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અલ્ટો કારમાં 15 પાર્સલ સગેવગે કરવા નીકળ્યા ને પોલીસ સકંજામાં આવ્યા પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મુખ્ય આરોપી આમીર અલીભાઈ મકરાણી (રહે. જૂનાગઢ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાના આશરે 25 જેટલા પાર્સલ મંગાવવામાં આવ્યા હતા. તેણે વારીસખાન મહેબુબખાન પઠાણને રૂપિયા આપીને આ જથ્થો સાચવવા માટે આપ્યો હતો અને પોતાના માણસો અલ્તાફ મકરાણી તથા મુસ્તાકમીયા કાદરી મારફતે છૂટક વેચાણ કરાવતો હતો. ગત રાત્રિએ પોલીસ રેડ થવાની ગંધ આવી જતાં વારીસખાનના ઘરે રાખેલો જથ્થો સગેવગે કરવા માટે ઈલ્યાસ મકરાણી અને ઈમ્તિયાઝ સમા અલ્ટો કાર લઈને પહોંચ્યા હતા. ત્રણેય શખ્સો કારમાં ગાંજાના 15 પાર્સલ ભરીને નીકળતા જ SOGની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા.
મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ વોન્ટેડ આ ઓપરેશનમાં પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઈલ્યાસ ઉર્ફે ટીપુ અલીભાઈ મકરાણી, ઈમ્તિયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઈ સમા અને વારીસખાન મહેબુબખાન પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર આમીર અલીભાઈ મકરાણી, અલ્તાફ ભીખુદીન મકરાણી અને મુસ્તાકમીયા બાઉદીનમીયા કાદરી (તમામ રહે. જૂનાગઢ) ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
