જામનગરના પ્રખ્યાત 'સુરેશ ફરસાણ'ના ચવાણામાંથી ગરોળી નીકળી:ફૂડ શાખાના દરોડા બાદ દુકાન 3 દિવસ બંધ રાખવા નોટિસ, તપાસમાં ખરાબ તેલ પણ મળી આવ્યું
જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ'ની દુકાનના ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી હતી અને ગંભીર બેદરકારી બદલ પેઢીને 3 દિવસ સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે.
અડધું પેકેટ ખાધા બાદ ગરોળી દેખાતા ગ્રાહક ચોંકી ઉઠ્યા એક ગ્રાહક બે-ત્રણ દિવસ પહેલા નાગનાથ ગેટ પાસે આવેલા 'સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ'માંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ગઈકાલે આ પેકેટ ખોલતા પરિવારજનોએ અડધું પેકેટ ચવાણું ખાઈ લીધા બાદ અંદર લોટવાળી પેકિંગમાં તળાયેલી હાલતમાં મૃત ગરોળી જોવા મળી હતી. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક મનપાની ફૂડ શાખાને જાણ કરી હતી. જેથી ફૂડ શાખાની ટીમ સાથે ચવાણાનું પેકેટ લઈને દુકાને પહોંચ્યા હતા, જ્યાં દુકાનદાર અને અધિકારીઓની રૂબરૂમાં પેકેટ ખોલીને અંદરથી નીકળેલી ગરોળી બતાવી હતી.
રસોડામાં ખુલ્લી બારીઓ અને ખરાબ તેલ જોવા મળ્યું ફૂડ શાખાની ટીમે દુકાન અને રસોડામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ પણ મળી આવ્યું હતું, જેથી ટીમ દ્વારા ખાદ્યચીજો અને તેલના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસોડામાં બારીઓ ખુલ્લી હોવાથી ત્યાંથી ગરોળી કે જીવજંતુ અંદર આવવાની પૂરી શક્યતા હોવાનું જણાતા તમામ બારીઓ પર જાળી લગાવવા કડક સૂચના અપાઈ છે.
અગાઉ ₹5,000નો દંડ ફટકારવા છતાં કોઈ સુધારો નહોતો થયો આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર ભગીરથ બારડે જણાવ્યું હતું કે, “અમને રૂબરૂ ફરિયાદ મળી હતી કે સુરેશ ફરસાણમાંથી ગરોળી નીકળી છે, જેના આધારે અમે તપાસ કરી હતી. અગાઉ પણ ગત 13 ઓક્ટોબરના રોજ અમે આ પેઢીની મુલાકાત લઈને સ્વચ્છતા અને સુધારા માટેના જરૂરી પોઈન્ટ આપ્યા હતા તેમજ ₹5,000નો દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ આજ રોજ તપાસ કરતા તેમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી.”
3 દિવસ દુકાન બંધ રાખવા નોટિસ લોકોના આરોગ્ય સાથે થતા ગંભીર ચેડાંને ધ્યાનમાં રાખીને ફૂડ શાખાએ કડક વલણ અપનાવ્યું છે. હાલ પૂરતી આ પેઢીને 3 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે અને જ્યાં સુધી તમામ સુધારાનું કામ પૂર્ણ ન થાય, જરૂરી ડોક્યુમેન્ટ રજૂ ન કરાય અને ફૂડ વિભાગ દ્વારા આગામી મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, અમે બે દિવસથી રેસ્ટોરન્ટ તેમજ ફરસાણ વગેરે દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 25 તારીખે 14 જેટલી નોનવેજ દુકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'કેફે પેરાડાઈઝ' નામની નોનવેજની દુકાનમાં ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપી છે. તેમજ કાલાવડ નાકા બહાર આવેલી 'અરેબિયન ચિકન દમ બિરયાની'માં અમે વેચાણ બંધ કરાવ્યું છે કારણ કે તેણે હાઈજીનના નિયમો ફોલો કર્યાં ન હતા.
કાલ સવારે અમે પંચેશ્વર ટાવરથી દિગ્વિજય પ્લોટ પર આવેલી ફરસાણ તેમજ નાસ્તાની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. એમાંથી એક જગ્યાએ અમને 2 લિટર જેવું તેલ બળેલું મળી આવ્યું હતું જેથી તેનો નાશ કર્યો હતો. અન્ય એક જગ્યાએથી 2 કિલો જેવી પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો.
