વિદેશી પક્ષીનું ખીજડિયામાં શિયાળાના પ્રારંભે આગમન:મીઠા પાણીના જળસ્ત્રોત ખાલી છતાં યાયાવર પક્ષીનો આશ્રય
જામનગર નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ ખીજડિયા પક્ષી અભયારણ્યમાં શિયાળાની ઋતુના પ્રારંભ સાથે જ વિદેશી યાયાવર પક્ષીઓના આગમનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. હાલ શિયાળાની હજુ માત્ર શરૂઆત થઈ છે અને અભયારણ્યના મીઠા પાણીના મોટાભાગના જળસ્ત્રોતો ખાલી પડ્યા છે, તેમ છતાં સાત સમંદર પારથી આવતા પક્ષીઓએ અહીં પોતાનું આશ્રયસ્થાન શોધી લીધું છે.
હાલના તબક્કે પક્ષીઓની કુલ સંખ્યા (જથ્થો) પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે, પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે દર વર્ષે આવતી મોટાભાગની પ્રજાતિઓના પક્ષીઓ અહીં પહોંચી ચૂક્યા છે.
ખીજડિયાના ખારા અને મીઠા પાણીના સંગમ વિસ્તારમાં હાલ સુરખાબ (ફ્લેમિંગો), પેણ (પેલિકન), કુંજ (ડેમોઈસેલ ક્રેન), કરકરા (કોમન ક્રેન), ચમચો (સ્પૂનબિલ), નકટો (કોમ્બ ડક), ભગવી સુરખાબ (બ્રાહ્મણી ડક), ગાજહંસ (ગ્રેલેગ ગૂઝ) તેમજ વિવિધ પ્રકારની બતકો અને ટીટોડીઓ સહિતની 300થી વધુ પ્રજાતિનું આગમન થઈ ચૂક્યું છે.
આગામી દિવસોમાં જેમ-જેમ ઠંડીનું જોર વધશે તેમ-તેમ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓના ઝુંડ ખીજડિયાના મહેમાન બનશે, જેના કારણે પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખીજડિયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે, જે તેની સમૃદ્ધ જૈવવિવિધતા દર્શાવે છે.
અહીંની અનોખી ઈકો-સિસ્ટમ પક્ષીઓને ખોરાક અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે. યુરોપ, સાઈબેરિયા અને મધ્ય એશિયાના અત્યંત ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ પક્ષીઓ પ્રજનન અને શિયાળો ગાળવા અહીં આવે છે.
