અલ્પેશ દોંગા ગેંગ સામે જામનગરમાં પણ SIT ની રચના:એક જ ટોળકી સામે બે અલગ તપાસ ટીમનો અનોખો કિસ્સો;રાજકોટના કેસો માટે પહેલેથી જ SIT કાર્યરત
રાજકોટના અલ્પેશ દોંગા અને તેની ગેંગ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ ગેંગ ખેડૂતોને ઊંચા વ્યાજે ફસાવી, ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતી તેમજ જમીનો પચાવી પાડવાનું કામ કરતી હતી. રાજકોટ રેન્જ DIG દ્વારા જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. રાજ્યમાં એક જ ગેંગ સામે બે અલગ-અલગ જિલ્લામાં SIT બની હોય તેવો આ અનોખો કિસ્સો છે.
જામનગરના ગુનાઓ માટે વિશેષ તપાસ ટીમ અલ્પેશ દોંગા ગેંગ વિરુદ્ધ રાજકોટ અને જામનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટના કેસોની તપાસ માટે અગાઉથી જ SIT કાર્યરત છે. હવે જામનગરમાં દાખલ થયેલી ફરિયાદોની ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ કરવા માટે આ નવી ટીમની રચના કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફાળ પડી છે અને પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે.
ઉચ્ચ અધિકારીઓની ટીમ અને રિપોર્ટિંગ જામનગરમાં રચાયેલી આ નવી SITના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગના ASP પ્રતિભાની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે જામનગર સિટી DySP જે.એન. ઝાલા મદદનીશ અધિકારી તરીકે જોડાશે. તપાસ ટીમ માટે નિયમ બનાવવામાં આવ્યો છે કે તેમણે દર સોમવારે હાથ ધરેલી કાર્યવાહીનો વિગતવાર તપાસ રિપોર્ટ રાજકોટ રેન્જ DIGને સીધો સુપ્રત કરવાનો રહેશે.
