વેરાવળ APMC ખાતે ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું:PM મોદી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી જોડાયા, ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે સ્નેહમિલનનું આયોજન
નૂતન વર્ષના પ્રારંભે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ વિધાનસભા બેઠકનું સ્નેહમિલન સમારોહ વેરાવળ APMC ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરો, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
સાંસદ અને જિલ્લા-શહેર સંગઠનના હોદ્દેદારો જોડાયા સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમ્ન ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, નગરસેવકો, વિવિધ સમાજના પ્રમુખો તથા સામાજિક અને સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજનના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એક જ સમયે નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત વેરાવળમાં પણ કાર્યકરો અને આગેવાનોનું વિશાળ સ્નેહમિલન યોજાયું હતું.
વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી જોડાયા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે રાજ્યભરના ભાજપના કાર્યકરો અને આગેવાનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી સંગઠનના કાર્યકરો સાથે સંવાદ સાધી શુભેચ્છા સંદેશની આપ-લે કરવામાં આવી હતી.
સંગઠનની એકતા અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો વેરાવળ APMC ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સંગઠનની એકતા, પરસ્પર સ્નેહ અને કાર્યકરોના ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
