ગુજરાતમાં કૃષિ વિભાગની 800 કચેરીઓ પર લાગશે સોલાર રૂફટોપ:2.44 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, 33 જિલ્લાઓમાં સોલાર સિસ્ટમ લગાવાશે
ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગ હેઠળની રાજ્યભરની 800 સરકારી કચેરીઓ અને સંસ્થાઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 2.44 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. કૃષિ વિભાગની કચેરીઓમાં વીજળીની જરૂરિયાતનો કેટલોક હિસ્સો સૂર્ય ઊર્જા દ્વારા પૂરો કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે.
પશુ દવાખાનાં સહિતની સંસ્થાઓનો સમાવેશ સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે પસંદ કરાયેલા 800 સ્થળોમાં 438 પશુ ચિકિત્સા દવાખાનાં, 109 સઘન પશુ વિકાસ પ્રોજેક્ટ, 106 ફર્સ્ટ એઇડ વેટરનરી સેન્ટર, 38 પશુ દવાખાનાં અને 35 વિભાગીય કચેરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 કૃષિ યુનિવર્સિટી, 13 કૃષિ સંશોધન કેન્દ્ર, 10 સઘન મરઘાં વિકાસ બ્લોક, 8 કૃત્રિમ બીજદાન કેન્દ્ર, 8 નર્સરી, 7 કૃષિ તાલીમ કેન્દ્ર, 6 પોલ્ટ્રી ફાર્મ, 2 પશુરોગ તપાસ કચેરી અને 2 ટ્રાયલ કમ ડેમોન્સ્ટ્રેશન ફાર્મનો પણ સમાવેશ થાય છે.
મહેસાણામાં સૌથી વધુ 90 સ્થળો જિલ્લાવાર વિગતો મુજબ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 90 સ્થળોએ સોલાર રૂફટોપ લગાવવાનું આયોજન છે. ત્યારબાદ બનાસકાંઠામાં 77, ગાંધીનગરમાં 43, આણંદમાં 42, રાજકોટમાં 39 અને પાટણમાં 37 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદમાં 34, કચ્છમાં 33, નવસારી અને પંચમહાલમાં 31-31, જામનગર અને ખેડામાં 27-27 તથા અમરેલીમાં 25 સ્થળોએ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. અન્ય જિલ્લાઓમાં અરવલ્લીમાં 24, જૂનાગઢમાં 23, મોરબીમાં 22, ભાવનગરમાં 20, સાબરકાંઠામાં 19, છોટાઉદેપુરમાં 16, મહીસાગરમાં 16, વડોદરામાં 16, સુરેન્દ્રનગરમાં 14, દાહોદમાં 13, વલસાડમાં 13, તાપીમાં 12, પોરબંદરમાં 11, ભરૂચમાં 10, નર્મદામાં 9, સુરતમાં 8, દેવભૂમિ દ્વારકામાં 6, બોટાદ અને ડાંગમાં 4-4 તથા ગીર સોમનાથમાં 4 સ્થળોનો સમાવેશ થાય છે.
વીજળીના ખર્ચમાં ઘટાડાની શક્યતા કૃષિ વિભાગની કચેરીઓની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થવાથી દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સંબંધિત કચેરીઓમાં થઈ શકશે. પરિણામે પરંપરાગત વીજળી પરની નિર્ભરતા અને વીજબીલના ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.
