GEBના એન્જિનિયરો આંદોલનના માર્ગે:જેટકોમાં વધતા કાર્યબોજ અને સ્ટાફની અછત મુદ્દે આવતીકાલથી રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન, 1 નવેમ્બરથી વર્ક ટુ રૂલની ચીમકી
ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા જેટકો મેનેજમેન્ટની વહીવટી નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા રાજ્યભરના એન્જિનિયરો આંદોલનના મૂડમાં આવી ગયા છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે લાંબા સમયથી ઇજનેરો પાસેથી કોઈપણ જાતના વધારાના નાણાકીય લાભ વગર વધારાનું કામ લેવામાં આવી રહ્યું છે. જે મુદ્દે આવતીકાલથી કાળી પટ્ટી ધારણ કરી જેતે વહીવટી કચેરીઓ ખાતે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી 1 નવેમ્બરથી વર્ક ટુ રૂલની ચીમકી પણ ઉચ્ચારી છે.
દર વર્ષે 100 નવા સબસ્ટેશનો છતાં નવી ભરતી નહીં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા જેટકો મેનેજમેન્ટની વહીવટી કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ઇજનેરોને કોઈપણ પ્રકારના વધારાના નાણાકીય લાભ વિના વધારાનો કાર્યભાર સોંપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. ફિલ્ડમાં દર વર્ષે આશરે 100 નવા સબસ્ટેશનનો ઉમેરો થતો હોવા છતાં તે પ્રમાણમાં નવા કર્મચારીઓની પૂરતી ભરતી કરવામાં આવતી નથી.
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનનું એલાન જેના કારણે હાલના ફરજ બજાવતા એન્જિનિયરો પર કાર્યબોજનો ભારે વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિએશન દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓના ત્વરિત ઉકેલ માટે વિરોધ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મહેકમ મુજબ કાયમી ભરતીની માગ એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલા મહેકમ મુજબ જગ્યાઓ મંજૂર કરીને તેની પર કાયમી ભરતી કરવી, નવા ઇજનેરોની નિમણૂક કરવી અને વધારાના કાર્યભાર તેમજ તેના નાણાકીય લાભ અંગે યોગ્ય તથા સંતોષકારક નિર્ણય લેવાનો સમાવેશ થાય છે. આ આંદોલનના કાર્યક્રમ ભાગરૂપે આવતીકાલે 30 ઑક્ટોબરથી રાજ્યભરના ઇજનેરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે તેમજ વહીવટી કચેરીઓની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આ વિરોધ છતાં જો માંગણીઓ નહીં સંતોષાય તો 1 નવેમ્બરથી સત્તાવાર રીતે વર્ક-ટુ-રૂલ મુજબ કામગીરી કરીને તમામ વધારાનો કાર્યભાર સંપૂર્ણપણે છોડી દેવાની આકરી જાહેરાત પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે ઇજનેરોની આ પડતર માંગણીઓનો સમયસર ઉકેલ આવે અને વધતા જતા કાર્યબોજ સામે યોગ્ય વહીવટી વ્યવસ્થા ઊભી થાય તે માટે એસોસિએશનના એસ.ડી. પટેલ (મહામંત્રી, જીબીયા જેટકો) સહિતના હોદ્દેદારો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે.
