IAS વાઈવ્સ વેલફેર એસોસિયેશન દ્વારા ગરબાનું આયોજન:CMએ મા આદ્યશક્તિની મહાઆરતી ઉતારી, રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પરિવાર સાથે જોડાયા
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરમાં IAS વાઈવ્સ વેલફેર એસોસિયેશન દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મા આદ્યશક્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એસોસિયેશન દ્વારા નવરાત્રિ ગરબા ઉત્સવ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.
વરિષ્ઠ અધિકારીઓ અને નિવૃત્ત સનદી અધિકારીઓની ગરબામાં હાજરી આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, IAS વાઈવ્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ સી.વી. સોમ અને તેમનાં પત્ની ચંન્દ્રાણી સોમ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ તેમજ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અને નિવૃત્ત સનદી અધિકારીઓ તેમના પરિવારજનો સાથે ગરબા ઉત્સવમાં જોડાયા હતા. નવરાત્રિના ધાર્મિક માહોલમાં મા આદ્યશક્તિની આરાધના સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
