17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી નહીં:ગાંધીનગરમાં ઉમેદવારોનું આંદોલન, કહ્યું- 'વિભાગો વચ્ચે ખો-ખો રમાય છે, અમે પીસાઈ રહ્યા છીએ'
ગુજરાતમાં સરકારી શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરતાં ઉમેદવારોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે વર્ષોથી શિક્ષણ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે ફાઈલ અટવાયેલી હોવાના જવાબો આપવામાં આવે છે, પરંતુ ભરતી અંગે કોઈ નક્કર નિર્ણય લેવાતો નથી.
મહીસાગર જિલ્લાના રહેવાસી અને ચિત્ર શિક્ષકના ઉમેદવાર ભદ્રેશ શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, 2009 પહેલાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી હતી, પરંતુ ત્યાર બાદ છેલ્લા 17 વર્ષથી ભરતી પ્રક્રિયા બંધ છે. આ સમયગાળા દરમિયાન અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.
2014થી શિક્ષણમંત્રીઓ બદલાયા, પણ ઉમેદવારોની સમસ્યા યથાવત ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સમયથી અમે ભરતીની માગણી કરી રહ્યા છીએ. ત્યાર બાદ શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ બદલાયા, પરંતુ અમારી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વર્ષોથી માત્ર રજૂઆતો જ કરી રહ્યા છીએ, પરંતુ ભરતી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
‘3000ની બજેટની ફાઈલ રજૂ થઈ હોવાનું કહ્યું, હવે ફાઈલનું નામોનિશાન નથી’ ઉમેદવારોનો આક્ષેપ છે કે ગયા વર્ષે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ચિત્ર શિક્ષકોની ભરતી માટે 3000ની બજેટની ફાઈલ રજૂ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી ભરતી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. ભદ્રેશ પટેલના જણાવ્યા પ્રમાણે, નાણા વિભાગમાં પૂછવામાં આવે તો શિક્ષણ વિભાગમાંથી ફાઈલ આવી નથી તેવો જવાબ મળે છે, જ્યારે શિક્ષણ વિભાગમાં પૂછવામાં આવે તો નાણા વિભાગની મંજૂરી બાકી હોવાનું કહેવામાં આવે છે. આ રીતે બંને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે અને ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે.
‘સર્વાંગી વિકાસની વાત થાય છે, તો બાળકોનો માનસિક વિકાસ કોણ કરશે?’ ચિત્ર શિક્ષકોની ભરતીની જરૂરિયાત સમજાવતા ભદ્રેશ પટેલે કહ્યું કે, આજે સરકાર 360 ડિગ્રી મૂલ્યાંકન અને બાળકોના સર્વાંગીણ વિકાસની વાત કરે છે. પરંતુ બાળકોનો સર્વાંગીણ વિકાસ કરાવવામાં ચિત્ર શિક્ષકોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તેમના મતે, કલા માત્ર ચિત્ર દોરવા પૂરતી મર્યાદિત નથી. તે બાળકોની વિચારશક્તિ, સર્જનાત્મકતા અને માનસિકતાના વિકાસમાં મદદરૂપ બને છે. કલા દ્વારા સમાજની સંસ્કૃતિ અને વારસાનું જતન પણ થઈ શકે છે. તેથી શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી થવી જરૂરી છે.
શિક્ષણમંત્રી રીવાબા જાડેજાને મળ્યા, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ઉમેદવારોએ બે દિવસ પહેલાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજાને પણ મળીને પોતાની માગ રજૂ કરી હતી. જોકે, ત્યાંથી પણ શ્રેષ્ઠ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવાની વાત કહેવામાં આવી હોવાનું ભદ્રેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને અરજી મોકલી હોવાનું જણાવ્યું હતું. હવે અધિકારીઓ પાસેથી ઉકેલ ન મળતાં ફરીથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ.
માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતનું આંદોલન 26 નવેમ્બરના રોજ યોજાયેલા સ્વાગત કાર્યક્રમના દિવસે પણ ઉમેદવારો પોતાની માગ સાથે ગાંધીનગરમાં પહોંચ્યા હતા. ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા સોમવારથી ઉમેદવારો સતત અહીં બેસીને રજૂઆતો કરી રહ્યા છે. અમારી એક જ માગ છે કે છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી ફરી શરૂ કરવામાં આવે. તેમણે ચીમકી આપતાં કહ્યું હતું કે, જો સરકાર અમારી માગણી સ્વીકારશે નહીં તો ગાંધીનગરમાં અચોક્કસ મુદતનું આંદોલન સતત ચાલુ રાખવામાં આવશે.
