કાર કેનાલની દીવાલ સાથે અથડાતા બે યુવકના મોત:ગાંધીનગરના આદરજ-પુન્દ્રસણ રોડ પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત, બે મિત્રને ગંભીર ઈજા
ગાંધીનગરના આદરજ મોટીથી પુન્દ્રસણ ચોકડી તરફ જતા કાચી કેનાલના રોડ પર રાત્રે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારવામાં આવી રહેલી કિયા ફોરવ્હીલ કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં કાર કેનાલના રોડની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કિયા લઈને સરઢવથી કુડાસણ તરફ જવા નીકળ્યા હતા સરઢવ ગામના મહેન્દ્રભાઈ સાંકાભાઈ પટેલના 22 વર્ષીય પુત્ર ધર્મ અને તેના મિત્રો ગત 23 ઓક્ટોબરની રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં કિયા ગાડી લઈને સરઢવથી કુડાસણ તરફ જવા નીકળ્યા હતા.
મિત્રને ઘરે મુકવા જતા હતા ને કાર કેનાલની દીવાલ સાથે અથડાઈ એ વખતે કારમાં ડ્રાઇવિંગ સીટ પર હેત બાળાકૃષ્ણ પટેલ હતો. જ્યારે પાછળની સીટ પર ધર્મ મહેન્દ્રભાઈ પટેલ ઉપરાંત તેના મિત્રો યશ દીપકભાઈ પટેલ અને દીપ વાડીભાઈ પટેલ બેઠા હતા. આ યુવકો યશને તેના ઘરે કૂડાસણ મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આદરજથી પુન્દ્રસણ ચોકડી તરફના કાચી કેનાલ રોડ પર ચાલક હેતે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલના રોડની દીવાલ સાથે અથડાવી દીધી હતી.
એકનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દીપ વાડીભાઈ પટેલને કમરના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતા. જ્યારે યશ દીપકભાઈ પટેલને પેટના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.
બે મિત્રને ગંભીર ઈજા, કારચાલક હેત સામે ગુનો દાખલ આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલક હેત બાળાકૃષ્ણ પટેલ અને ધર્મ પટેલને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને બાદમાં સેક્ટર-6 સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પેથાપુર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અંગે મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે કારચાલક હેત બાળાકૃષ્ણ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
