સેવા સંકલ્પ અભિયાન:દેવભૂમિ જિલ્લામાં 4 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાયા, માત્ર રૂા. 5માં મળશે પૌષ્ટિક ભોજન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે 4 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર ₹5ના ટોકન દરે પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવામાં આવશે.
ખંભાળિયામાં લોહાણા મહાજન વાડી પાસે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાની ઉપસ્થિતિમાં આ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચી રહ્યા છે. દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા બાંધકામ શ્રમિકોને હવે ભોજનની ચિંતા રહેશે નહીં.
શ્રમિકોને અપાતી થાળીમાં રોટલી, શાક, ભાત, અથાણું, કઠોળ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે, જ્યારે સપ્તાહમાં એક વખત સુખડી જેવું મિષ્ટાન પણ આપવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ થયેલા 04 કેન્દ્રોમાં જામખંભાળિયા (લોહાણા મહાજન વાડી), કલ્યાણપુર તાલુકાના રાવલ (હનુમાન ધાર પાસે), ભાણવડ તાલુકામાં અરમાન હાર્ડવેર (વેરાડ નાકા પાસે) અને રણજીતપરા હાઈસ્કૂલ ચોકનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, સરકારી શ્રમ અધિકારી વિશાલ બોરીચા, અગ્રણી યોગેશભાઈ મોટાણી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમિક અન્નપૂર્ણા યોજના, 2017થી શરૂ થયેલી સફર 28 જિલ્લા સુધી પહોંચી... ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-2017માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના હેઠળ રાજ્યના 20 જિલ્લાઓમાં 293 કડિયાનાકા પર શ્રમિકોને પોષણયુક્ત ભોજન વિતરિત કરવામાં આવતું હતું. શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સરકારે વ્યાપ વધાર્યો છે. તાજેતરમાં રાજ્યમાં નવા 101 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાતાં, કુલ 28 જિલ્લાઓમાં આ યોજનાનો લાભ શ્રમિકોને મળી રહ્યો છે.
