પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા કાર્યવાહીની માંગ:ખેરડીમાં નહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો મોટો આરોપ
દાદરા નગર હવેલીના ખેરડી પંચાયત વિસ્તારમાં સ્થિત એક કંપની દ્વારા નહેરમાં કથિત રીતે કેમિકલયુક્ત પાણી છોડવાથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી. ગ્રામજનોએ આ સંદર્ભે વિરોધ કર્યો. સંબંધિત વિભાગોને તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નહેરના પાણીનો ઉપયોગ આસપાસના વિસ્તારના પશુ-પક્ષીઓ કરે છે. જો પાણીમાં રાસાયણિક પદાર્થ ભળેલો હોય તો પશુઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવાની આશંકા છે. ગ્રામ જનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે નહેરની આજુબાજુ શાળા પણ આવેલી છે.
આ વિસ્તારના બોરવેલના પાણીમાં પણ કેમિકલ મિશ્રિત હોવાની સંભાવના છે, તેની તપાસ થવી જોઈએ. યોગ્ય તપાસ ન કરવામાં આવે તો ભવિષ્યમાં જળ પ્રદૂષણથી લોકો અને પશુઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. એમણે સંભવિત બીમારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ વિભાગને નહેરના પાણીના નમૂના લઈ તપાસ કરવાની માંગ કરી છે. નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો સંબંધિત કંપની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. ખેરડી પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત અને જિલ્લા પ્રશાસનને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
