બોટાદ LCBએ ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ ચલાવનાર શખ્સને ઝડપ્યો:ઓનલાઇન ડોમેઇન ખરીદી પ્રતિબંધિત પોર્ટલ અને ભાડાના બેંક ખાતાથી નેટવર્ક ચલાવાતું
રાજ્ય સરકારની સૂચના બાદ બોટાદ જિલ્લામાં ઓનલાઇન મની ગેમિંગ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અગાઉ નોંધાયેલા ગુનાની તપાસમાં નામ ખુલતાં LCBએ મૂળ ગઢડા તાલુકાના લીંબાળી ગામના અને હાલ બોટાદના ગઢડા રોડ પર ગોપીનાથ શેરીમાં રહેતા સંજયભાઈ લાખાભાઈ ખેરાળાને રૂ. 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ભાવનગર રેન્જના IG રાજેન્દ્ર અસારીની સૂચના, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની દેખરેખ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. પાવરા અને તેમની ટીમે ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ એક્ટ, ૨૦૨૫ હેઠળ નોંધાયેલા અગાઉના ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે કેટલાક શખ્સો ડોમેઇન કંપનીઓ પાસેથી ઓનલાઇન ડોમેઇન ખરીદીને ગેરકાયદેસર મની ગેમિંગ વેબસાઇટ અને પ્રતિબંધિત પોર્ટલ ચલાવતા હતા, જેમાં વિવિધ સ્કીમો આપીને લોકોને સટ્ટા અને ગેમિંગમાં જોડવામાં આવતા હતા. વધુમાં, નાણાંની લેવડદેવડ અને હેરાફેરી કરવા માટે ભાડે રાખેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સમગ્ર ગેરકાયદેસર ગેમિંગ નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
ગેરકાયદેસર ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ વિકસાવીને ચલાવવાના આરોપસર પકડાયેલા સંજયભાઈ ખેરાળા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ઓનલાઇન મની ગેમિંગ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું હતું.
