સિટી એન્કર:આજે શાળા-કોલેજોમાં દિવાળી વેકેશનનો અંતિમ દિવસ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની શાળા-કોલેજોમાં તા.25 નવેમ્બરને બુધવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ બની રહેશે અને તા.26 નવેમ્બરને ગુરૂવારથી દિવાળી વેકેશન બાદ દ્વિતીય શિક્ષણ સત્રનો આરંભ થશે.
તા. 5 નવેમ્બરથી તા. 25 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. 21 દિવસના દિવાળી વેકેશનનો ઉપયોગ રિવિઝન અને પ્રિલિમ્સ મોક ટેસ્ટ માટે કરવાનો હતો.
આ વર્ષના કુલ 365 દિવસમાંથી 66% સમય અભ્યાસ (240 દિવસ) અને 34% સમય રજાઓના થાય છે.
ધો.10-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 25 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી 20 એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવશે.
હવે દિવાળી વેકેશન બાદ દ્વિતીય સત્ર તા. 26 નવેમ્બરને ગુરૂવારથી શરૂ થશે અને આ સત્ર 2 મે, 2027 સુધી રહેશે.
આ સત્રમાં નવેમ્બર-26માં 4 દિવસ, ડિસેમ્બર-26માં 26 દિવસ, જાન્યુઆરી-27માં 24 દિવસ, ફેબ્રુઆરી-27માં 24 દિવસ, માર્ચ-27માં 23 દિવસ, એપ્રિલ-27માં 22 દિવસ અને મે-27માં 01 દિવસ મળીને કુલ 124 કાર્યદિવસોનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે.
દ્વિતીય સત્ર પૂર્ણ થતાં જ તારીખ 3 મે, 2027થી કુલ 35 દિવસનું લાંબું ઉનાળુ વેકેશન રહેશે અને આગામી નવું શૈક્ષણિક વર્ષ 2027-28 તારીખ 7 જૂન, 2027થી શરૂ થશે.
જુલાઇ અને હવે ડિસેમ્બર મહિનો એવો હશે કે જેમાં 26 દિવસ શૈક્ષણિક કાર્ય હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓમાં કુલ 80 દિવસની રજાઓ રહેશે, જ્યારે બંને સત્ર મળીને વિદ્યાર્થીઓ માટે કુલ 240 દિવસ પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ચાલશે.
18 જાન્યુઆરીથી પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા બીજા સત્રમાં ધોરણ 9થી 12ના તમામ પ્રવાહ માટે પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા તારીખ 18 જાન્યુઆરી, 2027 થી 28 જાન્યુઆરી, 2027 દરમિયાન લેવામાં આવશે જ્યારે પ્રખરતા શોધ કસોટી જે ધોરણ 9ના વિદ્યાર્થી માટે લેવામાં આવે છે તે 30મી જાન્યુઆરી, 2027ના રોજ લેવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5મી ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.
નોલેજ : કઇ પરીક્ષામાં કેટલો કોર્સ પૂછાશે? ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહે કે જ્યારે ધોરણ નવ અને ધોરણ 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમના 30% અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમ ના 70% અભ્યાસક્રમ પરીક્ષામાં પૂછવામાં આવશે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
