NMMS પરીક્ષા જાહેર: વાર્ષિક રૂ. 12,000ની મળશે શિષ્યવૃત્તિ:NMMS સ્કોલરશીપ : 5,097 છાત્રોને લાભ, 5 ડિસેમ્બરે પરીક્ષા
રાજ્યમાં આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને શાળાઓમાં ડ્રોપ-આઉટ દર ઘટે તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલી ‘નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ’ (NMMS) યોજના 2026-27 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત મેરીટમાં સ્થાન મેળવનાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1,000 લેખે વાર્ષિક રૂ. 12,000 મુજબ સતત 4 વર્ષ સુધી શિષ્યવૃત્તિ સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે કુલ 5,097 વિદ્યાર્થીઓનો ક્વોટા નિયત કરવામાં આવ્યો છે.
પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર તારીખ 15/10/2026થી 24/10/2026 દરમિયાન ભરી શકાશે.
પરીક્ષા ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો તારીખ 15/10/2026થી 26/10/2026 સુધીનો રહેશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 05/12/2026 જાહેર કરવામાં આવી છે.
પાત્રતા અને આવક મર્યાદા : ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી પ્રાથમિક, લોકલ બોડી કે ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. જનરલ તથા OBC વર્ગના વિદ્યાર્થીઓએ ધોરણ-7માં ઓછામાં ઓછા 55% અને SC/ST વર્ગના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જરૂરી છે. ઉમેદવારના વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000થી વધુ ન હોવી જોઈએ. ખાનગી શાળાઓ કે રહેવા-જમવાની સગવડ ધરાવતી સરકારી નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ આ લાભ મેળવી શકશે નહીં તેમ ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.
પરીક્ષા ફી અને માળખું : જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 70 તથા PH, SC અને ST ઉમેદવારો માટે રૂ. 50 નક્કી કરવામાં આવી છે. કસોટીમાં MAT (બૌદ્ધિક યોગ્યતા કસોટી)ના 90 પ્રશ્નો (90 ગુણ) અને SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી)ના 90 પ્રશ્નો (90 ગુણ) રહેશે, જેમાં કોઈ નકારાત્મક ગુણ પદ્ધતિ રહેશે નહીં.
