'ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનો સમય વેકેશન બાદ રાખો':દિવાળી વેકેશન દરમિયાન બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાતથી સર્જાયો વિવાદ
આગામી ફેબ્રુઆરી-2027માં યોજાનાર ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની જાહેર કરાયેલી મુદત સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત રાજ્યની શાળાઓમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું હોવાથી શાળાઓ બંધ રહેશે.
આ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ કે શિક્ષકો હાજર ન હોય, અનેક શાળાઓમાં વહીવટી ક્લાર્ક પણ ન હોય ત્યારે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા અને વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જશે તો જવાબદાર કોણ—તેવા સળગતા પ્રશ્નો સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ફોર્મ ભરવાની મુદત લંબાવવા માંગણી કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદી મુજબ,ધો.10 અને 12ની પરીક્ષાના આવેદનપત્રો નિયમિત ફી સાથે 4 નવેમ્બરના બપોરે 12 વાગ્યાથી 3 ડિસેમ્બરની રાતે 12 વાગ્યા સુધી ઓનલાઇન ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા પરીક્ષા પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાના આ પગલાને યોગ્ય ગણાવતાં સંગઠને ધ્યાન દોર્યું છે કે આ નિર્ણય લેતી વખતે શાળાઓના આગામી દિવાળી વેકેશનને ધ્યાને લેવામાં આવ્યું નથી.
વેકેશન દરમિયાન ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરવો મુશ્કેલ બને છે. આ સિવાય ગ્રાન્ટેડ શાળાઓમાં ફી એકત્રિત કરવા, વિગતોની ચકાસણી કરવા અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે આચાર્ય અને શિક્ષકોની સંયુક્ત ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. બીજી તરફ, શિક્ષકોએ પણ વેકેશન દરમિયાન પારિવારિક જવાબદારીઓ તેમજ પ્રવાસનું આયોજન કરેલું હોય છે.
ગુજરાત બોર્ડની ધો.10 અને 12ના પરીક્ષાના ફોર્મ માટે સર્જાયેલી આ તમામ વ્યવહારુ મુશ્કેલીઓને જોતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સંવર્ગના હોદ્દેદારો દ્વારા બોર્ડ સચિવને પત્ર પાઠવી દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ખૂલે ત્યારે જ પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવા અથવા તો અંતિમ તારીખમાં યોગ્ય વધારો કરવા સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.
