શિક્ષણમાં અન્યાય:UGC નેટમાં રાજ્યમાં 13 ઓનલાઇન પરીક્ષા કેન્દ્રો પણ ભાવનગર સાથે થયું ઓરમાયું વર્તન
ગુજરાતમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે ભાવનગર શહેર ફરી એકવાર અન્યાયનો ભોગ બન્યું છે. રાજ્યમાં યુજીસી નેટ જેવી મહત્વની ઓનલાઇન પરીક્ષાઓ માટે 13 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ભાવનગરથી વસ્તી અને કદમાં નાના એવા વાપી, આણંદ, બારડોલી, જુનાગઢ, ભુજ, જામનગર, મોડાસા, ગાંધીનગર અને મહેસાણા જેવા શહેરોમાં ઓનલાઇન પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ કરાવાયા છે, જ્યારે તેનાથી વધુ વસ્તી ધરાવતું ભાવનગર હજુ પણ કેન્દ્રવિહોણું છે.
સ્થાનિક વિદ્યાર્થીઓ અને પ્રોફેસર બનવા અથવા Ph.D. કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ નેટ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે ફરજિયાતપણે રાજકોટ કે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે.
આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ ભાવનગરમાં ઓનલાઇન પરીક્ષા લઈ શકાય તેવી કોઈ મોટી અદ્યતન કમ્પ્યુટર લેબ ઉપલબ્ધ નથી તે છે. આધુનિક લેબ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને બેન્કિંગ, IBPS અને બીજી મહત્વની ઓનલાઇન પરીક્ષાઓથી વંચિત રહેવું પડે છે.
અનેક મોટા પ્રોજેક્ટ માત્ર કાગળ પર રહ્યાં સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોનો આક્રોશ છે કે છેલ્લા 30 વર્ષથી સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓએ માત્ર પોકળ વચનો જ આપ્યા છે. આઈ.ટી. પાર્ક (IT Park), કન્ટેનર યાર્ડ, ડાયમંડ પાર્ક અને પ્લાસ્ટિક પાર્ક જેવા મોટા પ્રોજેક્ટ્સ કાગળ પર જ રહ્યા છે. વસ્તીવૃદ્ધિનો દર અને લોકોનું જીવનધોરણ સતત ઘટી રહ્યું છે, જે નેતાઓની વિઝન વગરની નીતિઓ અને ભ્રષ્ટાચારને આભારી છે.
નાના શહેરોને સેન્ટર ફાળવાયા પણ ભાવનગરને નહીં ગુજરાતમાં યોજાનારી આગામી UGC-NET પરીક્ષાના સુચારુ સંચાલન માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગુજરાતમાં કુલ 13 પરીક્ષા શહેરો નક્કી કરવામાં આવ્યા છે.જેમાં અમદાવાદ, આણંદ, બારડોલી, ભુજ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોડાસા, રાજકોટ, સુરત, વડોદરા અને વાપીનો સમાવેશ થાય છે. એટલે ભાવનગરથી નાના એવા આણંદ, બારડોલી, મોડાસા, જૂનાગઢ, વાપી, મહેસાણા જેવાને સેન્ટર મળ્યા છે પણ ભાવનગરને કેન્દ્ર ફાળવાયું નથી.
પરીક્ષા માટે ભાવનગરના હજારો વિદ્યાર્થીઓ રાજકોટ-અમદાવાદ જવા મજબૂર
શિક્ષણમાં અન્યાય | NEET જેવી ઓનલાઇન પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં!
નીટ પહેલા અદ્યતન લેબ માટે સુવિધા ઉભી કરો આગામી સમયમાં જ્યારે અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષાઓ (NEET) પણ ઓનલાઇન થવાની તૈયારીમાં છે, ત્યારે જો તાત્કાલિક ભાવનગરમાં અદ્યતન કમ્પ્યુટર લેબની સુવિધા ઊભી કરવામાં નહીં આવે, તો યુવાનોની આખી જિંદગી અને કારકિર્દી રોળાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. નેતાઓએ હવે જાગીને આ બાબતે નક્કર પગલાં લેવાની જરૂર છે. > ડો.કિરીટભાઇ ત્રિવેદી, અભ્યાસુ
