ભાવનગરમાં AI-રોબોટિક્સ ઇનોવેશનનો ધમાકો:36 કલાકની હેકાથોનમાં 52 ટીમો રોબોટથી ઉકેલશે સમસ્યા
ભાવનગરનું રીજનલ સાયન્સ સેન્ટર આગામી તા.6થી 9 ઓક્ટોબર દરમિયાન રોબોટિક્સ અને ઇનોવેશનના અનોખા સંગમનું સાક્ષી બનશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા રોબોફેસ્ટ ગુજરાત 6.0 “ઇન્જીનિયરીંગ ધ ફ્યુચર” અંતર્ગત એઆઈ-પ્રોવાઈડેડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ-હેકાથોન યોજાશે.
ભાવનગર રીજનલ સાયન્સ સેન્ટરમાં રોબોફેસ્ટ ગુજરાત 6.0ની 36 કલાકની હેકાથોનમાં આઈડિયેશન સ્ટેજ બાદ પસંદ થયેલી 52 ટીમો પોતાના નવીન વિચારોને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરશે. રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગથી ટીમો વાસ્તવિક સામાજિક પડકારોના ઉકેલો વિકસાવશે.
રોબોફેસ્ટ ગુજરાત 6.0ને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ભારતમાંથી 480 ટીમોએ નોંધણી કરાવી હતી અને 100થી વધુ આઇડિયેશન રજૂ થયા હતા. સઘન મૂલ્યાંકન બાદ ભાવનગરના આંગણે યોજાઈ રહેલી મુખ્ય હેકાથોન માટે 52 ઉત્કૃષ્ટ ટીમોની પસંદગી કરવામાં આવી છે.
પસંદ થયેલી 52 ટીમોમાં ગુજરાતના 9 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી 37 ટીમો સામેલ છે. જ્યારે મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાંથી 15 ટીમો ભાવનગર પહોંચશે.
રોબોફેસ્ટ ગુજરાત 6.0થી દેશના વિવિધ રાજ્યોમાંથી યુવા ઇનોવેટર્સની ભાગીદારીથી હેકાથોનને રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળ્યું છે. ભાવનગરના આંગણે રાષ્ટ્રીય કક્ષાની ગણી શકાય તેવી રોબોફેસ્ટ ગુજરાત 6.0ને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
રોબોફેસ્ટ ગુજરાત 6.0થી ભાવનગર જિલ્લાના આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને પણ નવી દિશા મળશે ત્યારે રોબોફેસ્ટના આયોજનને લઈને સ્થાનિક કક્ષાએથી તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
હેકાથોનમાં થશે વિચારથી પ્રોટોટાઇપ સુધીની સફર હેકાથોનમાં વિદ્યાર્થીઓ માત્ર સ્પર્ધા નહીં, પરંતુ ડિઝાઇન, નિર્માણ, પરીક્ષણ, સુધારણા અને કાર્યરત સોલ્યુશનનું પ્રદર્શન કરવાનો પ્રાયોગિક અનુભવ મેળવશે. મેન્ટર્સ અને ટેકનોલોજી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટીમો પોતાના પ્રોજેક્ટની ટેકનિકલ શક્યતા, નવીનતા, વ્યવહારિક ઉપયોગિતા અને વિસ્તરણ ક્ષમતા પર કામ કરશે.
AI અને રોબોટિક્સથી પડકારોના ઉકેલ રોબોફેસ્ટ ગુજરાત 6.0માં આઈડેશનથી પ્રૂફ ઓફ કોન્સેપટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ સુધી તબક્કાવાર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હેકાથોન દરમિયાન યુવા ઇનોવેટર્સ સાથે મેન્ટર્સ, શિક્ષણવિદો, ટેકનોલોજી નિષ્ણાતો અને રોબોટિક્સ ક્ષેત્રના નિષ્ણાતો એક મંચ પર આવશે. આ સમગ્ર પ્રક્રિયા યુવાનોમાં નવીનતા, ટીમ વર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ ધરાવે છે.
