અંકલેશ્વરમાં પોલીસે થાર કારમાંથી MD ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપ્યો:₹10 લાખનો મુદ્દામાલ કબજે; હનીફ પઠાણ, ઔરંગઝેબ અને રિતેશ મંડલની ધરપકડ
અંકલેશ્વર GIDC પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. વૈભવી થાર કારમાં MD ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરી પોલીસે ₹12 હજારની કિંમતનો MD ડ્રગ્સનો 4 ગ્રામ જથ્થો અને 19 હજારની કિંમતનો 389 ગ્રામ જથ્થો કબ્જે કર્યો છે. કાર, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 10.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.વસાવાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.આરોપીઓ ડ્રગ્સ અને ગાંજો ક્યાંથી લાવ્યા હતા એ સહિતની તપાસ ચાલી રહી છે
3 આરોપીઓની ધરપકડ, ₹10 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે આ મામલે અંકલેશ્વરના પીરામણનાકા ખાતે રહેતા રહેમત હનીફ પઠાણ, જીતાલી ખાતે રહેતા ઔરંગઝેબ મુખ્તાર અલી શેખ અને મીરા નગર ખાતે રહેતા રિતેશ મંડલની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે MD ડ્રગ્સ, ગાંજો, થાર કાર અને બાઈક સહિત કુલ અંદાજે ₹10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નશાના નેટવર્ક અંગે પોલીસની ઊંડાણપૂર્વક તપાસ
વૈભવી થાર કારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું નેટવર્ક ચાલતું હોવાની વિગતો સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ નશાના કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
