અંકલેશ્વર GIDCમાં 1.880 કિલો ગાંજો ઝડપાયો:પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી; રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ જિલ્લા પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગે અંકલેશ્વર GIDCમાં દરોડો પાડી 1.880 કિલોગ્રામ ગાંજો અને બાઈક સહિત રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
રચના નગરમાં ફાટક પાસે પાનના ગલ્લા નજીકથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂ.94 હજારની કિંમતનો ગાંજો કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, રાજુ ગણેશ ગામીત અને સચિન પન્નાલાલ ગુપ્તા આર્થિક લાભ માટે ગાંજો વેચવા રાખતા હતા. તપાસમાં ભડકોદરા ખાતે રહેતા અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે.
પોલીસે રૂ.1 લાખની બુલેટ, બે મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો અને અન્ય સામગ્રી પણ કબજે કરી છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ.2.15 લાખ છે. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને વેચાણના નેટવર્કમાં બીજા કોણ સામેલ છે, તેની તપાસ ચાલી રહી છે.
