ટ્રેક્ટર અને બાઈક ઓવરટેક મુદ્દે બે કોમ વચ્ચે પથ્થરમારો:વડગામના તેનીવાડાની ઘટના; છાપી પોલીસ મથકે 24 લોકો સામે ફરિયાદ; 12 લોકોની અટકાયત
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં ટ્રેક્ટર અને બાઈકને ઓવરટેક કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે કોમ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષના લોકો સામસામે આવી જતા મારામારી અને પથ્થરમારો થયો હતો. બનાવ બાદ છાપી પોલીસ મથકે સામસામે કુલ 24 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાંથી પોલીસે 12 લોકોની અટકાયત કરી છે.
ટ્રેક્ટર અને બાઈક ઓવરટેક કરવાની બાબતે માથાકૂટ મળતી માહિતી મુજબ, તેનીવાડા ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને જઈ રહી હતી, તે દરમિયાન બીજી વ્યક્તિ બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહી હતી. રસ્તામાં વાહન ઓવરટેક કરવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો એકઠા થઈ જતા મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી તેમજ પથ્થરમારાની ઘટના બની હતી.
સામસામે 24 લોકો સામે ફરિયાદ અને 12ની અટકાયત આ અંગે છાપી PIએ જણાવ્યું હતું કે તેનીવાડા ગામે બનેલી ઘટનામાં બંને પક્ષ દ્વારા સામસામે FIR નોંધાવવામાં આવી છે. જેમાં એક પક્ષે 11 લોકો સામે અને બીજા પક્ષે 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તેમજ બંને ફરિયાદોમાં અજાણ્યા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 24 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.
