કાંકરેજના શિહોરી દિયોદર રોડ પર અકસ્માત:કારે 200 મીટર સુધી ઢસડાતાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું
કાંકરેજ તાલુકાના શિહોરી-દિયોદર રોડ પર વહેલી સવારે અલ્ટો કારની ટક્કરે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા આશરે 200 મીટર સુધી ઘસડાઈ હતી.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. શિહોરીના ક્ષત્રિય દરબાર સમાજના આગેવાન ડાભી સોમસિંહ ગોદડસિંહ (ઉં.વ.53) પોતાના ખેતરેથી કામ અર્થે એક્ટિવા લઈને શિહોરી તરફ આવી રહ્યા હતા.
દરમિયાન દિયોદર તરફથી પૂરઝડપે આવતી કાર નંબર GJ 16 DG 0365 ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
જેમાં એક્ટિવાનો ભુક્કો બોલી ગયો હતો અને ગંભીર ઇજાઓને કારણે સોમસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં એકત્ર થયાં હતાં.
મૃતદેહને શિહોરી રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો.
