અંબાજીમાં પાંચ દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં:12 લાખથી વધુ રોકડ દાન, 107.75 ગ્રામ સોનાની લગડી સહિત દાગીના અર્પણ કરાયાં
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક એવા શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા પાંચ દિવસ દરમિયાન શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પાંચ દિવસમાં 6.50 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દર્શનાર્થે આવેલા ભક્તોએ પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર માતાજીના ચરણે રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીની કિંમતી વસ્તુઓ અર્પણ કરી હતી.
મંદિર ટ્રસ્ટના દાનભંડારમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન રુ.12 લાખથી વધુનું રોકડ દાન નોંધાયું હતું. આ ઉપરાંત 107.75 ગ્રામ સોનાની લગડી, 221.89 ગ્રામ સોનાનાં દાગીના તેમજ 40 ગ્રામ ચાંદીનાં દાગીના ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ભક્તોની અખૂટ શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની આસ્થાનું આ દાનભેટ સ્વરૂપે પ્રતિબિંબ જોવા મળ્યું હતું. આમ, અંબાજી ધામમાં એક તરફ પાંચ દિવસમાં સાડા છ લાખથી વધુ ભક્તોની આસ્થાનો પ્રવાહ જોવા મળ્યો હતો,
તો બીજી તરફ અંબિકા અન્નક્ષેત્રમાં એક લાખથી વધુ ભક્તોને ભોજન પ્રસાદ પીરસવાની સેવા દ્વારા ભક્તિ સાથે માનવસેવાનો અનોખો સંગમ સર્જાયો હતો.
અંબાજી ખાતે આવેલા અંબિકા અન્નક્ષેત્રમાં પણ ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઇ છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
દાતા કમિટીના સભ્ય ડૉ. હિતેશ ઠક્કરે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે અન્નક્ષેત્રમાં આવતા દરેક શ્રદ્ધાળુને પ્રેમ, ભાવ અને આત્મીયતા સાથે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. અંબાજીમાં પાંચ દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતા.
