ભાસ્કર વિશેષ:બાયોફર્ટિલાઇઝર માટે 5 હજાર દેશી સૂક્ષ્મજીવાણુઓનું સંરક્ષણ- સંશોધન કરાશે, પાકમાં 10 ટકાના વધારો થશે
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રૂ.50 કરોડના ખર્ચે અત્યાધુનિક બાયોમેન્યુફેક્ચરિંગ હબ ફોર બાયોફર્ટિલાઇઝર્સ એન્ડ બાયોપેસ્ટિસાઇડ્સની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન અને આણંદ કૃષિ યુનિ. વચ્ચે એમઓયુ કરાયા છે.
આ 5 વર્ષના પ્રોજેક્ટમાં ગુજરાતભરમાંથી મળતા જમીનને લાભદાયી થતા દેશી સુક્ષ્મજીવાણુઓનું સંરક્ષણ કરીને બાયોફર્ટિલાઇઝર બનાવાશે.
ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી વિજ્ઞાન આધારિત ખેતીને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ભાવનગર ખાતે યોજાયેલા સમારોહમાં આણંદ કૃષિ યુનિ. અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશને સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
રાજ્યમાંથી સારી ગુણવત્તાયુક્ત સૂક્ષ્મજીવાણુ ટેસ્ટીંગ કરીને શ્રેષ્ઠ પસંદ કરવામાં આવશે. આણંદ કૃષિ યુનિ. ખાતે ઓટોમેટેડ ફર્મેન્ટેશન, ફોટો-બાયોરિએક્ટર અને ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એકમો સહિત અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સ્થાપવામાં આવશે. આ સુવિધાઓ દ્વારા બેક્ટેરિયા આધારિત જૈવિક ખાતરો, ફૂગ, બેક્ટેરિયા અને શેવાળ
આધારિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતરોનું ઉત્પાદન કરાશે. આ અદ્યતન માઇક્રોબાયલ ટેકનોલોજીના ઉપયોગથી પાક ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થશે, જમીનને નુકસાન નહીં થાય અને ખેડૂતોનો ખાતર પાછળનો ખર્ચ પણ 20થી 25 ટકા સુધી ઘટી શકશે. પ્રોજેક્ટના શરૂઆતના 2 વર્ષ સુધી યુનિવર્સિટીમાં પરીક્ષણ કરાશે. ત્યારબાદ રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા રાજ્યભરમાં ખેડૂતોનાં ખેતરોમાં માર્ગદર્શન સાથે ઉપયોગમાં લેવાશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત અમૂલ, બનાસ અને ક્રિભકો જેવી અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી ગામડાં સુધી ગુણવત્તાયુક્ત જૈવિક કૃષિ ઉત્પાદનો પહોંચાડાશે. સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને ગુણવત્તાયુક્ત જૈવિક કૃષિ ઉત્પાદનો સરળતાથી અને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એગ્રી-બાયોટેક ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો તથા નવા ઉદ્યોગસાહસિકોને જૈવિક કૃષિ ઉત્પાદન એકમો સ્થાપવા 25 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ અને ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડવામાં આવશે.
શેવાળનું જૈવિક ખાતર બિયારણમાં કોટિંગ કરવાથી ડાંગરમાં ગુણવત્તા વધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 5 હજારથી વધુ ખેતીને લાભદાયી થતા દેશી સૂક્ષ્મજીવાણુઓનું સંરક્ષણ કરીને તેના પર સંશોધન કરવામાં આવશે. તેમાં બેક્ટેરિયા, ફૂગ અને શેવાળનો સમાવેશ થાય છે, આ માટે અત્યાધુનિક સેન્ટ્રલ બાયોરિપોઝિટરી અને ગુજરાત સ્ટેટ બાયો-સ્ટ્રેઇન ડેટાબેઝ તૈયાર કરાશે. ફૂગ અને શેવાળમાંથી પાવડરરૂપે જૈવિક ખાતર અને બેક્ટેરિયાથી લિક્વીડ ખાતર બનતું હોય છે. જેમા શેવાળમાંથી બનતું જૈવિક ખાતર ડાંગરના પાક માટે વધુ ગુણવત્તાયુક્ત રહેશે. જેને વાવણી પહેલાં બીયારણ પર કોટિંગ કરીને, સીધુ જમીનમાં છંટકાવ કરીને અથવા તો વાવદતા પહેલાં ધરૂવાડિયાને પ્રવાહીમાં ડુબાડીને તેનું સંરક્ષણ કરી શકાય છે.
