સરસપુરમાં CNC રાઉટર મશીન અપાવવાના નામે છેતરપિંડી:વેપારીને સસ્તા ભાવે મશીનરી અને લોન અપાવવાની લાલચ આપી રૂ. 58 લાખ પડાવ્યા
સરસપુરમાં CNC રાઉટર મશીન અપાવવાના નામે વેપારી સાથે રૂ. 58.90 લાખની ઠગાઈ વેપારીને સસ્તા ભાવે મશીનરી અને લોન અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા સરસપુરના વેપારીને CNC રાઉટર મશીન અપાવવા અને બેંક લોન કરાવી આપવાના બહાને બે ગઠિયાએ રૂ. 58.90 લાખ પડાવી લીધા છે. આ અંગે વેપારીએ બંને ગઠિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવા નરોડામાં આવેલ કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર કોઠીયા શ્રી ડીઝાઇન ફર્મનો વહીવટ સંભાળે છે. ત્યારે પત્ની કંપનીની મલિક છે. પોતાની કંપની માટે CNC રાઉટર મશીન ખરીદવું હોવાથી તેમના સાળા મારફતે મહેશ દેવરાજભાઈ દેવાણી સાથે સંપર્ક થયો હતો. મહેશે પોતાની ઓળખ મશીન અને બેંક લોન અપાવનાર એજન્ટ તરીકે આપી હતી. ત્યારબાદ મહેશ દેવાણી જીતેન્દ્ર કુમારને નિકોલ સ્થિત અમૃતા ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર મહેન્દ્રસિંગ મંગલસિંગ રાજપુરોહીત પાસે લઈ ગયો હતો. જ્યાં આરોપી મહેન્દ્રસિંગે રૂ. 64.90 લાખનું ક્વોટેશન આપ્યું હતું. આ ક્વોટેશનના આધારે મહેશ દેવાણીએ બેંકમાંથી રૂ. 48.50 લાખની લોન મંજૂર કરાવી આપી હતી અને લોનની રકમનો ડીડી અમૃતા ઇન્ડસ્ટ્રીઝના નામે જમા કરાવ્યો હતો. ત્યારે બાકીનો ડિફરન્સ ભરવાના નામે જીતેન્દ્રભાઈ પાસેથી રૂ. 16.40 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 64.90 લાખ મેળવી લીધા હતા. પૈસા મળી ગયા બાદ પણ આરોપીઓએ મશીનરીની ડિલિવરી આપી ન હતી અને અઠવાડિયામાં મશીન આવી જશે તેવા બહાના બતાવ્યા હતા. બાદમાં જીતેન્દ્રભાઈ અમૃતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરવા જતાં શેડ બંધ હાલતમાં મળી આવ્યો હતો. ઉઘરાણી કરતા આરોપીઓએ રૂ. 6 લાખ પરત આપ્યા હતા. પરંતુ બાકીના રૂ. 58.90 લાખ પરત ન આપી ફોન ઉપાડવાના કે મળવાનું બંધ કરી દીધું હતું. જેથી બને ગઠિયાએ વેપારી સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે જીતેન્દ્રકુમારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે.
