યુવકનું અપહરણ કરી માર માર્યો:નારોલમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકનું રિક્ષામાં અપહરણ કરી માથામાં છરી અને પગે કુહાડીના ઘા ઝીંક્યા
નારોલ વિસ્તારમાં પીપળજ રોડ પર જૂના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ ભંગારના કારખાનામાંથી યુવકનું રિક્ષામાં અપહરણ કરી ચાલુ રિક્ષામાં માથામાં છરી તેમજ શરીરે લોખંડના પંચના ઘા માર્યા હતા. ત્યાર બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈ કુહાડીના ઘા મારીને ફરાર થઇ ગયા હતા. આ અંગે નારોલ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગણેશનગરમાં રહેતા 23 વર્ષીય આમિર શેખ ભંગારના કારખાનામાં મજૂરીકામ કરે છે. ગત 11 ઓક્ટોબરે કારખાનામાં હાજર હતો. ત્યારે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી સજ્જુ ઉર્ફે શહેઝાદ પઠાણ, તેનો ભાઈ ગુલ્લુ, બનેવી સતીષ ઉર્ફે ગડા તથા મુકેશ ત્યાં આવ્યા હતા. બાદમાં ચારેય શખ્સોએ આમીરનું અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા. આમીરે બૂમાબૂમ કરતાં સજ્જુએ માથામાં ડાબા છરીના ઘા માર્યા હતા અને ગુલ્લુએ લોખંડના પંચ વડે શરીર તથા હાથ પર માર માર્યો હતો.
ત્યારબાદ આરોપીઓ દેવ હોટલ ચોકડીથી શાસ્ત્રી બ્રિજ તરફ લઈ જઈ મોં પર રૂમાલ બાંધી ગણેશનગર પાછળ અવાવરૂ જગ્યાએ લઈ જઈ ઢોર માર મારવા લાગ્યા હતા. કોઈ જોઈ જશે તેવી શંકા જતાં આરોપીઓ તેને રિક્ષામાં પીપળજ એપીએમસી માર્કેટ પાછળ ઇન્દિરાનગર વિભાગ-2 નજીક જંગલ જેવી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં સજ્જુએ રિક્ષામાંથી કુહાડી કાઢી આમીરને પગમાં મારી હતી. ગામના લોકો ભેગા થતાં આરોપીઓ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકે ચારેય શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
