Mon, Nov 23, 2026Updated 03:44 AM IST
Google Preferred Source CTA

પોલીસ પરવાનગી કરતા વધુ ઊંચી મૂર્તિ સ્થાપતા સૌપ્રથમ ગુનો દાખલ:કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી 9 ફૂટની પરવાનગી લઈ 22 ફૂટની સ્થાપી હતી, ગત વર્ષે પણ ગુનો નોંધાયો'તો

અમદાવાદ2 મહિનો પેહલા
Loading advertisement...

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે હરીવિલા ફ્લેટ નજીક જાહેર રોડ ઉપર ભગવાન ગણેશની 22.50 ફૂટની ઊંચી મૂર્તિની સ્થાપના કરવા બદલ આયોજક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગત વર્ષે પણ આ જ જગ્યા પર ગણેશ સ્થાપના કરનાર આયોજક દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામા કરતા વધારે ઊંચાઈની મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ફરી ચાલુ વર્ષે પણ ઊંચી મૂર્તિ લાવવામાં આવી હોવાને લઈ કૃષ્ણનગર પોલીસ દ્વારા સચિન કુમાવત નામના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Loading advertisement...

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી 8.5 ફૂટ મૂર્તિની પરમિશન મેળવેલી હતી બાપાસીતારામ ચોક પાસે આવેલા હરી વિલા ફ્લેટના ગેટ પાસે રોડ પર મંડપ બાંધવામાં આવ્યો હતો અને ગણેશ મૂર્તિ સ્થાપના રાખવામાં આવી હતી. જેમાં ગણપતિની મૂર્તિ 9 ફૂટ કરતા ઊંચી લાવવામાં આવેલી હતી. જેથી તપાસ કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી 8.5 ફૂટ મૂર્તિની પરમિશન મેળવેલી હતી. જોકે તેની તપાસ કરતા મૂર્તિની ટ્રોલી સાથેની ઊંચાઈ 22.5 ફૂટની જણાઈ આવી હતી.

આયોજક સચિન કુમાવત વિરુદ્ધ ફરિયાદ મૂર્તિની ઊંચાઈ તપાસતા 4.5 ફૂટની ટ્રોલી અને 11 ફૂટ ગણેશજીની મૂર્તિ હતી અને મૂર્તિની પાછળ મુગટના ઉપરના ભાગે 7 ફૂટ શંકર ભગવાનનું ફાઇબરનું સ્ટ્રકચર પણ મળી આવ્યું હતું. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પીઓપીની પાંચ ફૂટ અને માટીની 9 ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બેઠક સાથે ન હોવી જોઈએ. તેમ છતાં પણ ખૂબ મોટી મૂર્તિ લાવી સ્થાપના કરતા પોલીસે આયોજક સચિન કુમાવત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Loading advertisement...

ગત વર્ષે આ જ આયોજનમાં અકસ્માત થયો હતો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ બાપા સીતારામ ચોક પાસે હરી વિલા ફ્લેટ નજીક ખૂબ મોટી મૂર્તિ લાવવામાં આવી હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ પાસે ભોયરામાં લોકો જોવા ઊભા હતા ત્યારે સીડીનો ભાગ ધરાશાયી થતા 10 લોકો નીચે પડ્યા હતા. જેમાં ત્રણ લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ગત વર્ષે પણ પોલીસ સ્ટેશનમાંથી 9 ફૂટની ઊંચાઈની મૂર્તિ લાવવા પરવાનગી લીધી હતી, પરંતુ 22 ફૂટ ઉંચી મૂર્તિ લાવવામાં આવી હતી. ત્યારે જે તે સમયે પણ આયોજન સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ચાલુ વર્ષે પણ આ જ પ્રમાણે ગણેશ મૂર્તિની સ્થાપના કરવા માટે પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી ઓછા ફૂટની લઈને વધારે ફૂટની મૂર્તિઓ લાવવામાં આવી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 9 ફૂટથી વધુ મૂર્તિ ન રાખી શકાય ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર ચલાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને બેઠક સહિતની 5 ફૂટથી વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પણ પ્રતિબંધ છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નવ ફૂટથી વધુ મૂર્તિ ન રાખી શકાય તેમ છતાં પણ શહેરના અલગ અલગ પંડાલોમાં ભગવાનની મૂર્તિ ખૂબ મોટી અને ઊંચી લાવવામાં આવે છે.

અનેક પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની કાર્યવાહી થતી નથી ગણેશ પંડાલમાં મૂર્તિની સ્થાપના કરવા માટે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવાની હોય છે. જેમાં મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોય તેવું દર્શાવવાનું હોય છે. જોકે નવ ફૂટ કરતા પણ ઊંચી મૂર્તિ લાવવામાં આવતી હોય અને સ્થાપના કરવામાં આવતી હોય છે. જોકે અનેક પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે અને કડક પાલનની જોગવાઈ રાખવામાં આવી હોય છે, પરંતુ ક્યાંય પાલન થતું નથી.

ગણેશ મહોત્સવને લઈને પોલીસની સૂચના

  • ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમિટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમિટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજિયાત આપવાની રહેશે.
  • ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમિટ આપવામાં આવશે.
  • જો ગણેશ વિસર્જન શોભાયાત્રા/સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમિટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષશાખા તરફથી આપવામાં આવશે.
  • ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમિટ મેળવવા આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા આયોજક મંડળના તમામ સભ્યોના નામ-સરનામાં તથા મોબાઈલ નંબર આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તેની વિગત તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.
  • પી.ઓ.પી.ની મૂર્તિ તથા કૃત્રિમ રંગોના ઉપયોગ કરવામાં આવેલ મૂર્તિઓને નદી/તળાવમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકસાન થાય છે અને આ મૂર્તિ ખંડિત અવસ્થામાં ઘણા સમય સુધી પડી રહેવાથી ધાર્મિક લાગણી પણ દુભાય છે. જેથી પર્યાવરણની જાળવણી માટે સહભાગી બનવા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા અને સ્થાપના સ્થળે જ આ માટીની મૂર્તિનું ‘સ્થળ વિસર્જન' કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો