ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સમાં વિદ્યાર્થીઓનો રસ વધ્યો:1143 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા, રજીસ્ટ્રેશનમાં 6 ગણો વધારો, બી.કોમમાં સૌથી વધુ 301 એડમિશન
ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન શરૂ કરવામાં આવેલા કોર્સની ડિમાન્ડ સતત વધી રહી છે. 3 અંડરગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. NEP 2020ના અમલીકરણ સાથે શરૂ કરવામાં આવેલા ઓનલાઇન કોર્સમાં રજીસ્ટ્રેશનમાં 6 ગણો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2025માં યોજાયેલી પ્રવેશ પ્રક્રિયામાં કુલ 2560 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 1143 વિદ્યાર્થીઓએ 6 જેટલા ઓનલાઈન કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે. હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ, પરીક્ષા અને પરિણામ ઑનલાઇન જ લેવામાં આવશે.
અન્ય રાજ્ય અને વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન કોર્સમાં જોડાયા ડિજિટલ યુગમાં ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. નવી શિક્ષણ નીતિ NEP-2020ને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસક્રમોને વધુ સરળ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટેક્નોલોજી આધારિત શિક્ષણના માધ્યમથી ઘરબેઠાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો યુનિવર્સિટી પ્રયાસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સ નોકરી કરતા યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ એક સાથે બે ડિગ્રી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરવાની સુવિધા મળતા દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ રહ્યા છે.
આ વર્ષે અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં કુલ 743 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો વર્ષ 2025થી ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. તે સમયે 6 જેટલા ઓનલાઈન કોર્સમાં 154 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે બાદ ફેબ્રુઆરી 2026માં 343 થઈ ગયું હતું. જ્યારે આ વર્ષે બી. કોમમાં સૌથી વધુ 301 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. બી.એ. ઇંગ્લીશમાં 243 અમે બીસીએમાં 199 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. એટલે કે અંડરગ્રેજ્યુએટમાં કુલ 743 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો એમ.કોમ જનરલમાં 160 વિદ્યાર્થીઓ, એમ.એ. ઇંગલિશમાં 158 વિદ્યાર્થીઓ અને એમ.એસ.સી. મેથેમેટિક્સમાં 82 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ઘરે બેઠક જ અભ્યાસ અને પરીક્ષા આપવા મળ્યા વિદ્યાર્થીઓનો રસ પણ ખૂબ વધી રહ્યો છે.
